42 હજારથી વધુ મોત, 98 હજાર ઘાયલ, લાખો લોકો વિસ્થાપિત
ગાઝા પટ્ટી કાટમાળમાં ફેરવાય, ઇઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ
7 ઓક્ટોબર 2023 ઇઝરાયેલ પર સૌથી મોટો હુમલો થયો. આ હુમલો પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર એક દિવસમાં 1200 થી વધુ ઇઝરાયેલી લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને હમાસના લડવૈયાઓએ બંધક બનાવ્યા હતા.
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ દક્ષિણ ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ સેંકડો હમાસ લડવૈયાઓ ઈઝરાયેલમાં પ્રવેશ્યા. લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂૂ કર્યો. આ તે દિવસ હતો જ્યારે આખો દેશ સુકોટ નામનો ધાર્મિક તહેવાર ઉજવી રહ્યો હતો. હમાસે આ હુમલાને ફ્લડ ઓફ અલ-અક્સા નામ આપ્યું છે.
ઈઝરાયેલે હમાસના હુમલાનો જવાબ 8 ઓક્ટોબરે હવાઈ હુમલો કરીને આપ્યો હતો. ઇઝરાયેલે ઓપરેશન સ્વોર્ડ્સ ઓફ આયર્ન શરૂૂ કર્યું અને ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી શરૂૂ કરી અને ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં રહેતા અંદાજે 1.5 મિલિયન લોકોને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો.તેના પરિણામો એક વર્ષ પછી પણ દેખાય છે જ્યારે ગાઝાના લોકો પાણી, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓની તીવ્ર અછતથી પીડાય છે. જો આપણે માત્ર ગાઝાની વાત કરીએ તો ત્યાંની લગભગ 70 ટકા ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. તેમાંથી 16,765 બાળકો છે. લગભગ 98 હજાર લોકો ઘાયલ થયા છે. 10 હજારથી વધુ લોકો ગુમ છે. બીજી તરફ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,139 ઇઝરાયેલના લોકો માર્યા ગયા છે અને 8,730 ઘાયલ થયા છે. આ સિવાય હુમલામાં 125 પત્રકારોના પણ મોત થયા છે.
આર્થિક નુકસાનની વાત કરીએ તો ગાઝાના જીડીપીમાં 81 ટકાનો ઘટાડો થયો છે. 2.01 લાખ લોકો બેરોજગાર બન્યા છે. લગભગ 20 લાખ લોકો બેઘર છે. 85 હજાર પેલેસ્ટિનિયન મજૂરોએ તેમની નોકરી ગુમાવી છે. ઈઝરાયલના હવાઈ હુમલાને કારણે ગાઝા પટ્ટી પર અત્યાર સુધીમાં 42 મિલિયન ટનથી વધુ કાટમાળ પડ્યો છે.
ન્યૂયોર્કથી સિંગાપોર સુધી ફેલાયેલી ડમ્પ ટ્રકની લાઇનને ભરવા માટે આટલો કાટમાળ છે. તેને દૂર કરવામાં ઘણા વર્ષો લાગી શકે છે અને 700 મિલિયન સુધીનો ખર્ચ થઈ શકે છે.
હમાસને કેટલું નુકસાન થયું?
ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 80 ટકા કોમર્શિયલ સુવિધાઓ નાશ પામી છે. 87 ટકા શાળાની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ગાઝા પટ્ટીમાં 144,000 થી 175,000 ઈમારતોને નુકસાન અથવા નાશ કરવામાં આવ્યો છે. 36માંથી માત્ર 17 હોસ્પિટલો જ કાર્યરત છે. 68 ટકા રોડ નેટવર્ક નાશ પામ્યું છે અને ખેતી માટે યોગ્ય 68 ટકા જમીન બંજર બની ગઈ છે.