150થી વધુ ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ઝડપાયા, તમામને ડિપોર્ટ કરાશે
અમેરિકામાંથી એક મોટા સંચાર સામે આવ્યા છે. અમેરિકામાં ઘૂસવા જતાં અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા હોવાના સમાચાર છે. આ પકડાયેલ ગુજરાતીઓમાંથી મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો છે. આ ઘટના અઠવાડિયા પહેલાની છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે યુએસએમાં ઘૂસ્યા હતા. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
મળતી માહિતી અનુસાર અંદાજે એક મહિના પહેલાં ઉત્તર ગુજરાતના 150થી વધુ યુવાનો અમેરિકા જવા માટે નીકળ્યા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા અને ત્યારબાદ તેઓ ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા. અને તેઓ એક અઠવાડિયા પહેલાં જ મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને તેઓ હાલ ઝડપાયા હોવાના સમાચાર છે. યુરોપથી આવતાં આવતા લોકોએ કાયદેસર મેક્સિકોની ઓનઅરાઇવલ વિઝા કે પરમિટ લેવી પડે પરંતુ ચાર્ટર્ડમાં ગયા એ બધા લોકોએ પરમિટ લીધી ન હતી. આ બધા ચાલતાં ચાલતાં મેક્સિકોમાં ઘૂસ્યાં ત્યારબાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર માર્યા હતાં. ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ પહેલા દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યાર બાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. હવે દિલ્હીના એજન્ટનું કામ પૂરું થયું હતું.
ત્યારબાદ અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સિક્કા માર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઓથોરિટીએ અસાયલમ (રાજ્યશ્રય)નું કારણ ફગાવી દીધું હતું અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. ઓફિસરે તેમને પૂછ્યું હતું કે તમારા પાસપોર્ટમાં મેક્સિકોના ડુપ્લિકેટ સિક્કા છે, એનો જવાબ આપો. તમે ખોટું કરીને અહી આવ્યો છો. તમે મેક્સિકો ઊતર્યા જ નથી. તમે બહારની બીજી કન્ટ્રીમાંથી આવ્યા છો. કડક પૂછપરછ બાદ ઘૂસેલા લોકોએ સ્વીકાર્યું હતું કે સિક્કા ડુપ્લિકેટ છે અને આ સિક્કા મેક્સિકોમાં એજન્ટોએ લગાવ્યા છે.
હાલ ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ દેશના લોકો સામેલ છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતી યુવાન છે. આ કેસ અસાયલમના બદલે ડોક્યુમેન્ટ સાથે ચેડાં કર્યાં હોવાથી તમામને ડિપોર્ટ કરવાની તજવીજ થઈ રહી છે. અમેરિકામાં ડિપોર્ટ થઈને આ લોકો ભારત પહોંચશે તો બધા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.