બ્રાઝિલમાં બાઈડેન, મેર્કો તથા ઈટાલીના વડાપ્રધાન સાથે મોદીની કેમિસ્ટ્રી દેખાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમણે સોમવારે રિયો ડી જેનેરિયોમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, ઈન્ડોનેશિયાના પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી. પરંતુ દરેકની નજર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની તેમની મુલાકાત પર હતી.
જ્યારે બંને નેતાઓ પીએમ મોદી અને જો બાઈડને એકબીજાને જોયા, ત્યારે તરત જ બંનેએ આગળ આવીને હાથ મિલાવ્યા અને હસીને વાતચીત કરી હતી. બંનેની વચ્ચે ખાસ કેમેસ્ટ્રી પહેલા જેવી જ જોવા મળી હતી. એ પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ મેર્કો સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. વડાપ્રધાન એકસ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ઇમેન્દ્રઅલ મેર્કો સાથે એઆઇ અને અન્ય ભવિષ્યના ક્ષેત્રોમાં સાથે મળી કામ કરવા વાતચીત થઇ છે.
ખાસ વાત એ છે કે સમિટમાં ઙખ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુરશી આસપાસ જ રાખવામાં આવી છે. પીએમ મોદી પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ બાઈડને આગળ આવીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંનેની વચ્ચે થોડો સમય વાતચીત પણ થઈ હતી. મોદીએ આ વિશે એકસ પર લખ્યું કે બાઇડેનને મળી હંમેશા આનંદ થાય છે. વડાપ્રધાને ઇટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોની સાથે પણ વાતચીત કરી હતી. મેલોનીએ એક સોશિયલ મીડીયા પોસ્ટમાં ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને બન્ને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમણે મોદીની મુલાકાત હંમેશા ખુબ આનંદ તરીકે વર્ણવી હતી.
બીજી તરફ જી-20 સમિટના ઉદ્ઘાટન ભાષણમાં મોદીએ વિશ્વના અમીર દેશોને સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું, તે સ્પષ્ટ છે કે પએક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યથ આ સમિટમાં તેટલું જ સુસંગત છે જેટલું તે ગયા વર્ષે હતું. બ્રાઝિલે નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન લીધેલા જન-મૈત્રીપૂર્ણ નિર્ણયોને આગળ વધાર્યા છે. અમારી સફળતાનો એકમાત્ર મંત્ર છે કે અમારી પાસે બેક ટુ બેઝિક્સ અને માર્ચ ટુ ફ્યુચર અભિગમ છે.
મોદીએ ભારતમાં લેવામાં આવી રહેલા પગલા વિશે જણાવ્યું. કહ્યું- છેલ્લા દસ વર્ષમાં અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ 55 કરોડ લોકોને મળ્યો છે. મહિલાઓ પર કેન્દ્રિત અમારો વિકાસ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે રીતે આપણે આફ્રિકન યુનિયનને જી20 સદસ્યતા આપીને ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કર્યો છે, તેવી જ રીતે અમે વૈશ્વિક શાસનની સંસ્થાઓમાં પણ સુધારો કરીશું. પરંતુ જો આપણે ગ્લોબલ સાઉથના પડકારો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીએ તો જ આપણી ચર્ચાઓ સફળ થઈ શકે. કારણ કે વૈશ્વિક સંઘર્ષને કારણે ઉભી થયેલી ખાદ્ય, ઈંધણ અને ખાતરની કટોકટીની સૌથી વધુ વિપરીત અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી છે.