મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના સાત દિવસ બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. હવે ટ્રમ્પે પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જશે. ટ્રમ્પે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ ફેબ્રુઆરીમાં તેમને મળવા વ્હાઇટ હાઉસ આવશે. ટ્રમ્પે સોમવારે એરફોર્સ વનમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે સવારે મેં તેમની સાથે લાંબી વાતચીત કરી હતી. તેઓ કદાચ આવતા મહિને વ્હાઇટ હાઉસ આવશે. ભારત સાથે અમારો ખૂબ જ સારો સંબંધ છે. જ્યારે વડા પ્રધાન મોદી સાથેના કોલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, નસ્ત્રઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
સોમવારે ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે સ્થળાંતર કરનારાઓના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત આવે ત્યારે ભારત જે યોગ્ય હશે તે કરશે. વ્હાઇટ હાઉસના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફળદાયી વાતચીત થઈ હતી જેમાં બંને દેશોએ વૈશ્વિક શાંતિ માટે પરસ્પર સહયોગ અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પની છેલ્લી વિદેશ યાત્રા ભારતની હતી. સાથે જ ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટન અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ-અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકા ગયા હતા. અહીં તેમણે ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો જેનું આયોજન તત્કાલિન રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પફ્યુચર સમિટથને પણ સંબોધિત કર્યું હતું.