બે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે પભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓ સુધી ચાલે છે. મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું.ત્યાં ઉપસ્થિત ભારતીય લોકો પણ તેમાં જોડાયા હતા. વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને મળશે. આજે કુવૈત પહોંચ્યા બાદ પીએમ મોદી સાંજે ભારતીય મૂળના લોકોને મળશે. પીએમ મોદી કુવૈતમાં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.
પીએમ મોદીની આ મુલાકાત પહેલા દિવંગત પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી વર્ષ 1981માં કુવૈત ગયા હતા. 2009માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી પણ કુવૈત ગયા હતા. ભારત અને કુવૈત વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. કુવૈતમાં તેલની શોધ થઈ તે પહેલા ભારત અને કુવૈત વચ્ચે ખજૂર અને ઘોડાનો વેપાર થતો હતો. આ વેપાર ભારતના પશ્ચિમ બંદરોથી થતો હતો.