યુક્રેન-રશિયા વચ્ચે મિસાઈલ્સ વોર: તબાહી પહેલાં આ ગાંડપણ રોકો
અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનને લાંબી રેન્જનાં આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલો રશિયા સામે વાપરવાની મંજૂરી આપી ને યુક્રેને શુભસ્ય શીઘ્રમ કરીને રશિયા સામે આ મિસાઈલોનો ઉપયોગ શરૂૂ પણ કરી દીધો. તેના કારણે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જાય તેનો ખતરો વધી ગયો છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટોના દેશોને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલના હુમલાનો જવાબ પરમાણુ હુમલા સાથે આપવામાં આવશે. અમેરિકા યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માંડ્યુ ત્યારથી રશિયામાં આ નીતિગત ફેરફારની વિચારણા ચાલી રહી હતી.
જો બાઇડને યૂક્રેનને લાંબા અંતરની અમેરિકન મિસાઈલોને રશિયા વિરુદ્ધ ઉપયોગની મંજૂરી આપી એ સાથે જ રશિયાએ આ નિર્ણય લઈ લીધો. રશિયાએ એવું પણ જાહેર કર્યું છે કે, રશિયાને એવું લાગશે કે તેના દેશ અને લોકોને ખતરો છે તો ન્યૂક્લિયર મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકે છે. રશિયાનો આ નિર્ણય માત્ર બેલેસ્ટિક મિસાઈલોને લાગુ નથી પડતો. રશિયાની સીમામાં કોઈ ડ્રોન અથવા એરક્રાફટ ઘૂસે તો પણ તેને રશિયા પર ખતરા તરીકે જોવામાં આવશે. યુક્રેને મંગળવારે સવારે બ્રાયન્સ્ક વિસ્તારમાં આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમમાંથી છ લાંબી રેન્જની મિસાઈલો છોડી હતી.
રશિયાનો દાવો છે કે, તેમણે પાંચ મિસાઈલો તોડી પાડી છે પણ હવે પછી આ પ્રકારની હરકત સહન નહીં કરાય ને પરમાણુ હુમલો કરાશે. રશિયાની ચેતવણીના કારણે અમેરિકાના સાથી મનાતા યુક્રેનની નજીક આવેલા અમેરિકાના સાથી મનાતા દેશો ફફડી ગયા છે. બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ નીકળે એમ પોતે પિસાઈ જશે તેનો તેમને ડર છે. નાટો દ્વારા પણ અમેરિકાની ટીકા કરાઈ છે. નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્ક સહિતના નાટોના કેટલાક દેશોએ તો પોતાના નાગરિકોને યુદ્ધની સ્થિતી માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી છે. નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે પોતાના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. આ દેશોની સરહદો રશિયા અને યુક્રેનને અડીને આવેલી છે. યુક્રેન પર રશિયા દ્વારા પરમાણુ હુમલો થાય તો સૌથી પહેલાં આ દેશોને અસર થશે. યુએન અને વિશ્ર્વના પ્રભાવશાળી દેશો પણ યુક્રેન-રશિયાને યુદ્ધ બંધ કરવા સમજાવી-મનાવી શક્યા નથી. ત્યારે આ ગાંડપણ કોણ રોકશે તે સમજવું-કલ્પવુ મુશ્કેલ છે.