ગાઝામાં ઇઝરાયલની મોટી એર સ્ટ્રાઇક, 100થી વધુ પેલેસ્ટિનીના મોત
ગાઝામાં ઈઝરાયેલ દ્વારા સતત બોમ્બમારો અને હવાઈ હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તાજા હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. એક એહવાલ અનુસાર, પૂર્વી ગાઝામાં વિસ્થાપિત લોકો રહેતી એક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલા ઇઝરાયલી હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનો ઘાયલ થયા છે.
હમાસ સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાજ અદા કરી કરી રહ્યા હતા. કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, "ઇઝરાયલી હુમલાઓએ વિસ્થાપિત લોકોને નિશાન બનાવ્યા જ્યારે તેઓ ફજર (સવાર)ની નમાઝ અદા કરી રહ્યા હતા, જેના કારણે જાનહાનિની સંખ્યામાં તીવ્ર વધારો થયો."
ગત સપ્તાહે ગાઝામાં ચાર શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 4 ઑગસ્ટના રોજ, ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો માટે આશ્રયસ્થાનો તરીકે સેવા આપતી બે શાળાઓ પર ઇઝરાયેલના હુમલામાં 30 લોકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા. આ પહેલા ગાઝા શહેરની હમામા સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 17 લોકો માર્યા ગયા હતા. 1 ઓગસ્ટના રોજ દલાલ અલ-મુગરાબી સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલ દાવો કરે છે કે કમ્પાઉન્ડની અંદર "આતંકવાદીઓ" છે જે "હમાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટર" તરીકે કામ કરે છે.
7 ઓક્ટોબર, 2023 ના રોજ, પેલેસ્ટિનિયન જૂથ હમાસે ગાઝા પટ્ટીથી દક્ષિણ ઇઝરાયેલના ગાઝા વિસ્તારમાં સશસ્ત્ર ઘૂસણખોરી કરીને ઇઝરાયેલ પર આશ્ચર્યજનક હુમલો કર્યો. આને પેલેસ્ટાઈન દ્વારા દાયકાઓમાં સૌથી મોટી અથડામણ તરીકે જોવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, લગભગ 1,200 લોકો માર્યા ગયા અને ઘણાને કેદી લેવામાં આવ્યા. ઈઝરાયેલે યુદ્ધના ધોરણે આનો જવાબ આપ્યો અને અત્યારે પણ સંઘર્ષ ચાલુ છે. ત્યારથી ઇઝરાયેલ ગાઝામાં શાળાઓ સહિતની ઇમારતો પર સતત હુમલા કરી રહ્યું છે.
ગાઝામાં 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 40,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુદ્ધગ્રસ્ત તટીય પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.