હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતા
ઉત્તરીય તાઇ પો જિલ્લાના રહેણાંક સંકુલમાં આગ લાગ્યા પછી બાજુની આઠ ઇમારતોમાં ફેલાઇ: 4000 લોકોના વસવાટવાળી એસ્ટેટમાં સમારકામ, નવીનીકરણ ચાલી રહ્યું હતું
ઉત્તરીય તાઈ પો જિલ્લામાં 35 માળના રહેણાંક કોમ્પ્લેક્સની ઇમારતોમાં આગ ફાટી નીકળી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટનામાં 46 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો ગુમ છે. અહેવાલમાં જણાવાયું છે કે આગ ઓછામાં ઓછી આઠ ઇમારતોમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ફક્ત એક જ ઇમારત પર કાબુ મેળવી શકાયો છે.
વાંગ ફુક કોર્ટના આ ટાવરો વાંસના માળખાથી ઢંકાયેલા હતા. હોંગકોંગમાં બાંધકામ અને સમારકામના કામમાં વાંસના માળખાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ.
વાંગ ફુક કોર્ટ ન્યૂ ટેરિટરીઝના તાઈ પો વિસ્તારમાં આવેલો એક હાઉસિંગ કોમ્પ્લેક્સ છે, જ્યાં હાલમાં સમારકામ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ એસ્ટેટમાં 1,984 ફ્લેટ છે અને અહીં લગભગ 4,000 લોકો રહે છે. ફાયર વિભાગે જણાવ્યું કે મૃતકોમાં એક ફાયરફાઇટર પણ સામેલ છે. વિભાગે રોઇટર્સને જણાવ્યું કે કોમ્પ્લેક્સની અંદર કેટલા લોકો હજુ પણ ફસાયેલા હોઈ શકે છે તે જાણી શકાયું નથી.
સ્થાનિક પબ્લિક બ્રોડકાસ્ટર RTHK એ પોલીસના હવાલાથી જણાવ્યું કે ઘણા લોકો હજુ પણ ટાવરોમાં ફસાયેલા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, ત્યાં રહેતા ઘણા લોકોને આશંકા છે કે આ દુર્ઘટના ધૂમ્રપાનને કારણે થઈ છે. આ બહુમાળી સંકુલ વાંસથી ઢંકાયેલું છે. વાંસનું માળખું સ્ટીલના માળખાનો વિકલ્પ છે, જેનો બાંધકામમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. લાંબા વાંસના થાંભલાઓને સરળતાથી જોડી શકાય છે, જેનાથી મોટી ઇમારતોની આસપાસ માળખું ઉભા કરવાનું સરળ બને છે. હોંગકોંગ વાંસના માળખાના ઉપયોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. લાંબા વાંસના થાંભલાઓને નાયલોન ફાસ્ટનર્સ સાથે બાંધીને તેને બનાવવામાં આવે છે.