મનુ ભાકરે રચ્યો ઈતિહાસ…એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ ભારતને વધુ એક મેડલ અપાવવામાં મદદ કરી છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો.
આ પહેલા મનુ ભાકરે 28 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની સિંગલ્સ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું હતું. પેરિસમાં પ્રથમ બ્રોન્ઝ જીતીને મનુએ મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. અને હવે, પેરિસમાં તેની પ્રથમ સફળતાના 48 કલાક પછી, મનુ ભાકરે વધુ એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો છે.
મનુ ભાકર અને સરબજોત સિંહે 29 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ બનાવ્યા હતા અને તેના દ્વારા તેમણે 580 પોઈન્ટ મેળવ્યા હતા.
મનુ ભાકર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. અગાઉ, જ્યારે તેણે ટોક્યોમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ટોક્યોમાં મનુ ભાકરની નિષ્ફળતાનું કારણ તેની નબળી રમત નહીં પરંતુ પિસ્તોલમાં ટેકનિકલ ખામી હતી. ટોક્યોમાં નિષ્ફળતા બાદ મનુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સારી વાત એ છે કે મનુ ભાકર પેરિસથી ખાલી હાથ પાછા નથી આવી રહ્યા. પોતાની સાથે તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલનું ખાતું પણ ખોલ્યું છે.