‘ઇસ્કોનના મેમ્બરોને મારી નાખો’, બાંગ્લાદેશના કટ્ટરપંથીઓની રેલી
બંગલાદેશમાંતખ્તો પલટાયા બાદ હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ત્રણ દિવસ પહેલાં ત્યાંના હિન્દુઓએ વિરાટ મોરચો કાઢીને તેમના પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવામાં આવે એવી માગણી કરી હતી. જોકે લઘુમતીની વાત સાંભળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાને બદલે ત્યાંની વચગાળાની ગવર્નમેન્ટના મુખિયા મોહમ્મદ યુનુસના નાકની નીચે ઇફાઝત-એ-ઇસ્લામ નામના ગ્રુપે ઢાકા અને ચિત્તાગોન્ગમાં હિન્દુઓની ખિલાફ રેલી કાઢી હતી અને આ રેલીમાં ઇસ્કોનના મેમ્બરોને મારી નાખવાના નારા ઉચ્ચારવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે હિન્દુઓની રક્ષા કરવાનું બંગલાદેશની સરકારને કહ્યું છે, પણ અત્યારે ત્યાં કટ્ટરવાદીઓને છૂટો દોર મળી ગયો હોવાથી હિન્દુઓ જબરદસ્ત ભયમાં જીવી રહ્યા છે.
શેખ હસીનાએ આપેલા રાજીનામા બાદ બંગલાદેશમાં થયેલાં તોફાનોમાં હિન્દુઓનાં ઘરો અને ધાર્મિક સ્થળો પર હુમલા કરવામાં આવ્યા હતા એટલું જ નહીં, ત્યારથી અત્યાર સુધીમાં હિન્દુ સમુદાયના લોકો પર સેંકડો હુમલા કરવામાં આવ્યા છે.
બંગલાદેશના ઍટર્ની જનરલ એમ. ડી. અસદુઝમાને બંધારણમાં ફેરફાર કરીને એમાંથી સેક્યુલર અને સોશ્યલિસ્ટ શબ્દ દૂર કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે બંગલાદેશમાં 90 ટકા વસ્તી મુસલમોનોની હોવાથી હવે આ શબ્દો રાખવાની જરૂૂર નથી.