ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથી
કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો પરચો ફરી એક વાર ભારતને મળી ગયો. સોમવારથી કેનેડાના કનાનાકિસમાં વિશ્વના સૌથી ધનિક દેશોના બનેલા ગ્રુપ ઓફ સેવન એટલે કે જી-7નું બે દિવસીય સમિટ શરૂૂ થઈ છે. ભારત જી-7નું સભ્ય નથી પણ વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તાઓમાંથી એક હોવાથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ જી-7 સમિટમાં હાજરી આપવા નિમંત્રણ મળ્યું છે.
મોદી સોમવારે કેનેડા પહોંચ્યા એ પહેલાં ખાલિસ્તાનવાદી સંગઠનના સમર્થકોએ એક જબરદસ્ત રોડ શો કરીને મોદી વિરોધી દેખાવો કર્યા અને ભારત વિરોધી ઝેર ઓક્યું તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે, કેનેડામાં સરકાર કોઈની પણ હોય, ખાલિસ્તાનવાદીઓને રોકવામાં કોઈને રસ નથી અને કેનેડા ફરી ભારતનું મિત્ર બની શકે તેમ નથી. કેનેડાના કેલગરી પ્રાંતમાં ગુસ્તારા દશમેશથી શરૂૂ થયેલા 200 કરતાં વધારે કાર-ટ્રક સાથેના રોડ શોમાં ખાલિસ્તાનવાદીઓએ નરેન્દ્ર મોદીની કેનેડાની મુલાકાત અને જી-7 સમિટમાં મોદીને નિમંત્રણનો વિરોધ કરીને મોદી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. મોદીને કેનેડાના દુશ્મન ગણાવીને ખાલિસ્તાનવાદીઓએ ધમકી પણ આપી કે, મોદીને ખતમ કરી દેવાશે.
આ રોડ શોના આયોજન ખાલિસ્તાનના સમર્થક મનજિંદરસિંહે ફિશિયારી મારી કે, અમે મોદીના રાજકારણને ખતમ કરવા માટે અહીં ભેગા થયા છીએ અને અમે કેનેડાને સુરક્ષિત બનાવવા માગીએ છીએ. ખાલિસ્તાનવાદીઓએ ભારતીય હિન્દુઓને ગાળાગાળી કરીને એવું કહ્યું કે, મોદી કેનેડામાં રહેશે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. રોડ શો દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા અને મોદીનું પૂતળું રસ્તા પર લઈ જઈ હાથકડી પણ પહેરાવવામાં આવી. મોદી સરકાર કેનેડામાં ખાલિસ્તાનની માગણી કરી રહેલા લોકોની હત્યાઓ કરાવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા.
ખાલિસ્તાનવાદીઓના આ ઉધામા એ વાતનો પુરાવો છે કે, માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બન્યા પછી પણ ખાલિસ્તાનવાદીઓ ફાટીને ધુમાડે ગયેલા જ છે અને કાર્નીની સરકારને તેમને રોકવામાં કોઈ રસ નથી. કાર્નીએ વડા પ્રધાનપદે બેઠા પછી ભારત સાથેના સંબધો સુધારવાની મોટી મોટી વાતો કરેલી પણ મોદી વિરોધી રોડ શો એ વાતનો પુરાવો છે કે, કાર્ની ખાલી વાતો કરે છે, બાકી તેમને ભારત સાથેના સંબંધો સુધારવામાં કોઈ રસ નથી. રસ હોય તો આ રીતે પોતાની ધરતીનો ઉપયોગ ભારતના વડા પ્રધાન સામે ઝેર ઓકવા માટે કરવા દે ખરા ?