અમેરિકામાં કાશ પટેલને ATFના ડિરેક્ટર પદેથી દોઢ માસમાં જ દૂર કરાયા
અમેરિકથી ટેરિફ દરો વધવાના સમાચારની સાથે-સાથે અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી ભારતીય મૂળના કાશ પટેલને FBIના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે, તેમને બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ (ATF) ના કાર્યકારી ડિરેક્ટર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમના સ્થાને હવે આ પદ ડેનિયલ ડ્રિસ્કોલના હાથમાં રહેશે. અમેરિકન અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
કાશ પટેલે 24 ફેબ્રુઆરીના રોજ કાર્યકારી ATF નેતા તરીકે શપથ લીધા હતા. ત્રણ દિવસ પહેલા તેમણે FBI ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા જે પદ તેઓ હજુ પણ ધરાવે છે. એક જ સમયે બે મુખ્ય ન્યાય વિભાગના એકમોનું નેતૃત્વ કરવા માટે એક જ વ્યક્તિની પસંદગી થાય તે અસામાન્ય હતું.
ન્યાય વિભાગના એક અધિકારીએ પટેલને હટાવવાની પુષ્ટિ કરી અને કહ્યું કે, તેનો તેમના પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. પટેલને ઔપચારિક રીતે ક્યારે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવા અને ફરીથી નોકરી પર રાખવાનો સમાવેશ થાય છે. છેલ્લા 3 મહિનામાં ટ્રમ્પે 9 થી વધુ લશ્કરી અધિકારીઓને બરતરફ કર્યા છે.
જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ઉઊઅ) અને બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ (ATF) ના સંભવિત મર્જર પર વિચાર કરી રહ્યું છે. ખર્ચ ઘટાડવા માટે બંનેને મર્જ કરી શકાય છે. આવી સ્થિતિમા કાશ પટેલને છૂટા કરવામા આવતા ચર્ચા જાગી છે .