અફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયું
બોલીવુડના પીઢ પટકથા લેખક-ગીતકાર જાવેદ અખ્તરે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એકસ પર પોસ્ટ કરીને ભારતમાં અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીના સ્વાગત અને સન્માનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ આવી વસ્તુઓ જુએ છે ત્યારે તેમનું માથું શરમથી ઝૂકી જાય છે.
મુત્તાકી હાલમાં ભારતની છ દિવસની મુલાકાતે છે.2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા કબજે કર્યા પછી કોઈ તાલિબાન નેતાની આ પહેલી ભારત મુલાકાત છે. ભારતમાં આગમન પછી, અફઘાન વિદેશ મંત્રીએ શનિવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દારુલ ઉલૂમ દેવબંદની મુલાકાત લીધી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દારુલ ઉલૂમ દેવબંદ દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસામાંની એક છે. જાવેદ અખ્તરે આ અંગે નારાજગી વ્યક્ત કરી.
તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એકસ પર પોસ્ટ કરતા, જાવેદ અખ્તરે લખ્યું, જ્યારે હું વિશ્વના સૌથી ખરાબ આતંકવાદી જૂથ, તાલિબાનના પ્રતિનિધિને, જે લોકો તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ બોલે છે, તેમનું આદર અને સ્વાગત જોઉં છું, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે.