ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ
ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ, અણું વિજ્ઞાનીઓ માર્યા ગયા
ઈઝરાયલે આજે સવારે કહ્યું કે તેણે ઓપરેશન રાઇઝીંગ લાયન હેઠળ ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ઈઝરાયલે કહ્યું કે તે તેહરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાની અપેક્ષાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યું છે. એક ઈઝરાયલી લશ્કરી અધિકારીએ કહ્યું કે ઈઝરાયલ ડઝનબંધ પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે. હુમલામાં ઇરાનના રિવોલયુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી ઉપરાંત લશ્કરી વડા મોહમ્દ બધેરી, સેનાના ટોચના અધિકારીઓએ વરીષ્ઠ પરમાણું વિજ્ઞાનીઓ માર્યા ગયા છે.
વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નાતાન્ઝમાં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો, અમે ઈરાની બોમ્બ બનાવવા પર કામ કરતા મુખ્ય ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા, અને અમે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે. આ હુમલા પછી નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા બદલ આભાર માનવા માંગુ છું. ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ આ દેશના મુખ્ય શક્તિ કેન્દ્રોમાંનું એક છે. તે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોના શસ્ત્રાગારને પણ નિયંત્રિત કરે છે.
નેતન્યાહુએ કહ્યું કે નજ્યાં સુધી જરૂૂર પડશે ત્યાં સુધીથ આ કાર્યવાહી ચાલુ રહેશે, તેમણે કહ્યું કે જો આપણે હમણાં કાર્યવાહી નહીં કરીએ, તો આગામી પેઢી નહીં આવે. આ હુમલા પછી, ઈરાકે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે ઈરાકના તમામ એરપોર્ટ બંધ છે. ક્યાંયથી વિમાનોની અવરજવર નથી. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કાત્ઝે ચેતવણી આપી હતી કે ઈઝરાયલ અને તેની નાગરિક વસ્તીને લક્ષ્ય બનાવતા મિસાઈલ અને ડ્રોન હુમલા ખૂબ જ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. તેમણે સમગ્ર દેશના સ્થાનિક મોરચે આ કટોકટીની સ્થિતિ લાગુ કરવા માટે એક ખાસ આદેશ પર હસ્તાક્ષર કર્યા.
આ હુમલા પર, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે આજે રાત્રે ઇઝરાયલે ઇરાન સામે એકપક્ષીય કાર્યવાહી કરી છે. અમે ઇરાન સામેના હુમલાઓમાં સામેલ નથી અને અમારી ટોચની પ્રાથમિકતા આ ક્ષેત્રમાં અમેરિકન દળોનું રક્ષણ કરવાની છે. ઇઝરાયલે અમને સલાહ આપી હતી કે તેઓ માને છે કે આ કાર્યવાહી તેના સ્વ-બચાવ માટે જરૂૂરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વહીવટીતંત્રે અમારા દળોને સુરક્ષિત રાખવા અને અમારા પ્રાદેશિક ભાગીદારો સાથે ગાઢ સંપર્કમાં રહેવા માટે તમામ જરૂૂરી પગલાં લીધાં છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ઇરાને અમેરિકન હિતો અથવા કર્મચારીઓને નિશાન બનાવવું જોઈએ નહીં.
ઇઝરાયલ-ઇરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધા ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું. તેમજ ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવું.
શેરબજારોમાં કડાકા, ક્રૂડનો ભાવ ભડકે બળ્યો
મોડી રાત્રે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પર અનેક લશ્કરી ઠેકાણા અને પરમાણુ ઠેકાણા પર બોમ્બ ફેંકયા હતાં. હવે ઈરાને પણ વળતો જવાબી હુમલો ચાલુ કરી દીધો છે. જેની અસર વિશ્ર્વભરનાં શેરબજારમાં જોવા મળી હતી. એશિયાયી શેરબજારમાં મોટા ગાબડા પડયા હતાં. ત્યારે ભારતીય સેન્સેકસ પણ 1000થી વધુ અંક તુટયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઈલમાં 9 ટકા જેવો વધારો નોંધાયો હતો.