પેલેસ્ટાઈન બોર્ડરે ફસાયેલા 10 ભારતીય મજૂરને રેસ્કયૂ કરી બચાવતું ઈઝરાયેલ
ઇઝરાયલી સત્તાવાળાઓએ પશ્ચિમ કાંઠેથી 10 ભારતીય બાંધકામ કામદારોને સફળતાપૂર્વક બચાવ્યા છે. આ લોકોને એક મહિનાથી વધુ સમય સુધી બંધક રાખવામાં આવ્યા હતા. આ કામદારો રોજીરોટી કમાવવા માટે ઈઝરાયેલ આવ્યા હતા, પરંતુ તેમને નોકરીના વચન સાથે પશ્ચિમ કાંઠાના એક ગામમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પાસપોર્ટ છીનવાઈ ગયા હતા.અહેવાલો અનુસાર, ઇઝરાયેલની વસ્તી અને ઇમિગ્રેશન ઓથોરિટી, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને ન્યાય મંત્રાલયના સંયુક્ત પ્રયાસો દ્વારા ગુરુવારે રાત્રે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે આ કામદારો હવે સુરક્ષિત છે અને તેમને ઇઝરાયેલ પરત લાવવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલુ છે, અને અમે આ કામદારોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છીએ.ભારતીય દુતાવાસે જણાવ્યું હતું કે, આ મજૂરો પશ્ચિમ કાંઠાના અલ-જયેમ ગામમાં ફસાયેલા હતા. ત્યાં કેટલાક લોકોએ તેના પાસપોર્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઈઝરાયેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ પાસપોર્ટનો દુરુપયોગ શોધી કાઢ્યો અને તેમને તેમના હકના માલિકોને પરત કર્યા.
છેલ્લા એક વર્ષમાં લગભગ 16,000 ભારતીય કામદારો બાંધકામ ક્ષેત્રે કામ કરવા ઈઝરાયેલ આવ્યા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા બાદ ઇઝરાયેલે હજારો પેલેસ્ટિનિયન મજૂરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે આ ભરતી આવેલા કામદારોને હાલમાં સલામત સ્થળે રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની રોજગારની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કામદારોની સલામતી અને વિદેશમાં તેમના અધિકારો અંગે ચિંતા ઊભી કરી છે.
ભારતીય દૂતાવાસે આ મામલે સક્રિયતા દાખવતા કામદારોના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે તેમની સુરક્ષા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવશે.