ઇઝરાયલ-ઇરાને ફરી આંતરરાષ્ટ્રીય સંગઠનોની લાચારી ઉજાગર કરી છે
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણાઓ પર હલ્લાબોલ કરીને આર્મી ચીફ સહિતના બે ટોચના ઈરાની લશ્કરી અધિકારીઓ અને બે પરમાણુ વૈજ્ઞાનિકોને પતાવી દીધા એ સાથે જ ભડકો થઈ ગયો છે.
ઇઝરાયલનો દાવો છે કે ઇરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને પાસે થોડા જ દિવસોમાં 15 પરમાણુ બોમ્બુ બનાવી શકાય તેટલી સામગ્રી છે. ઈરાન પરમાણુ હુમલો કરીને ઈઝરાયલને નેસ્તનાબૂદ કરી નાખવા માગે છે તેથી ઈરાનને હુમલો કરતું રોકવા માટે આક્રમણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ઈરાને ઈઝરાયલની વાતને બકવાસ ગણાવી છે પણ પોતાના પર થયેલા હુમલા પછી શાંત નહીં રહેવાય એવો હુંકાર કરીને વળતો હુમલો કરીને ઈઝરાયલ પર મિસાઈલ છોડવા માંડયાં છે. ઈરાન અને ઈઝરાયલના સામસામા હુમલામાં બંને દેશોમાં તબાહી મચી છે અને બંને દેશોના નાગરિકો મરી રહ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા જંગમાં બંને દેશોના 300 જેટલાં લોકો ઢબી ગયાં છે. બંને દેશો રોકાવાનું નામ નથી લેતાં એ જોતાં આ તબાહી ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે.
અમેરિકાના પોતાને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા નહીં હોવાના દાવામાં દમ નથી એ કહેવાની જરૂૂર નથી. ઈઝરાયલ અમેરિકાનું નજીકનું સાથી છે અને અમેરિકાની મરજી વિના ઈરાન પર આટલો મોટો હુમલો કરે એ વાતમાં માલ નથી. અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બંધ કરાવવા બહુ ઉધામા કર્યા પણ ઈરાન ગાંઠતું નથી અને ખાનગીમાં પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. અમેરિકાએ પણ ઈરાનના ભીંસમાં મૂકવા જાત જાતના પ્રતિબંધો મુકાવ્યા છે. દુનિયાના બધા દેશોમાં ટ્રાન્સપોર્ટેશન હજુય પેટ્રોલ-ડીઝલ આધારિત હોવાથી ચીજોના ભાવ આસમાને પહોંચે ને સામાન્ય લોકોનો મરો થઈ જાય. ઈરાન અને ઈઝરાયલ બંને સમૃદ્ધ દેશો છે ને આ બે આખલાની લડાઈમાં ગરીબ દેશોનો ખો નિકળી જાય. આ સંજોગોમાં ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ કોઈ પણ સંજોગોમાં રોકાય એ દુનિયાના હિતમાં છે. અમેરિકાને દુનિયાની કંઈ પડી નથી પણ પોતાના સ્વાર્થની પડી છે તેથી દુનિયા આખીને તબાહી તરફ ધકેલી રહ્યું છે.