ગાઝામાં યુધ્ધ વિરામ માટે ઇઝરાયલ-હમાસ વચ્ચે કરાર
અમેરિકી પ્રમુખની શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો અંત લાવવા બન્ને પક્ષો વચ્ચે હસ્તાક્ષર: સપ્તાહાંત સુધીમાં 20 જીવિત બંધકોને મુક્ત કરશે હમાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સહમત થયા છે. આ કરારનો ઉદ્દેશ ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો અને બંધકો અને કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવાનો છે. હમાસે ગાઝા કરાર માટે સંમતિ આપી છે, જેના પર ઇજિપ્તમાં હસ્તાક્ષર કરવામાં આવશે.
આ કરારમાં માનવતાવાદી સહાય માટે ગાઝામાં પાંચ ક્રોસિંગ તાત્કાલિક ખોલવાનો, ગાઝા વાપસી નકશામાં ફેરફાર કરવાનો અને પ્રથમ તબક્કામાં 20 ઇઝરાયલી કેદીઓને જીવતા મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
આ કરારની ગેરન્ટી અમેરિકા, ઇજિપ્ત, કતાર અને તુર્કીએ આપી છે જેનાથી એ સુનિશ્વિત થાય કે જ્યાં સુધી બંને પક્ષો તેની શરતોનું પાલન કરે ત્યાં સુધી હુમલાઓ ફરી શરૂૂ નહીં થાય. હમાસ આ સપ્તાહના અંતે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કરશે કારણ કે ઇઝરાયલીઓ ગાઝાના મોટાભાગના હિસ્સામાંથી હટી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, આનો અર્થ એ છે કે બધા બંધકોને ખૂબ જ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે, અને ઇઝરાયલ ચોક્કસ હદ સુધી તેના સૈનિકો પાછા ખેંચશે, જે મજબૂત, ટકાઉ અને સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું હશે. બધા પક્ષો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. તેમણે બધા બંધકોને મુક્ત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવાની ઐતિહાસિક સિદ્ધિ પર એકબીજાને અભિનંદન આપ્યા હતા. બંને નેતાઓ તેમનો સહયોગ ચાલુ રાખવા સંમત થયા. વડાપ્રધાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇઝરાયલી નેસેટને સંબોધવા આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, આ ઇઝરાયલ માટે એક મોટો દિવસ છે. કાલે હું સરકારને આ કરારને મંજૂરી આપવા અને આપણા બધા પ્રિય બંધકોને પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરીશ. હું ઈંઉઋના બહાદુર સૈનિકો અને તમામ સુરક્ષા દળોનો આભાર માનું છું જેમની હિંમત અને બલિદાનથી આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ. આપણા બંધકોને મુક્ત કરવાના આ મિશનમાં યોગદાન આપવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે મળીને આપણે આપણા બધા લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અને આપણા પડોશીઓ સાથે શાંતિનો વિસ્તાર કરવાનું ચાલુ રાખીશું.
યુધ્ધ વિરામના કરાર વચ્ચે ગાઝામાં તીવ્ર હવાઇ હુમલા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાના પ્રથમ તબક્કા હેઠળ યુદ્ધવિરામ અને બંધકોના કરાર થયા બાદ ગુરુવારે ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનોએ આનંદ વ્યક્ત કર્યો, ત્યારે ગાઝા નાગરિક સંરક્ષણ એજન્સીએ અહેવાલ આપ્યો કે પ્રદેશ પર અનેક તીવ્ર હવાઈ હુમલા કરવામાં આવ્યા. એજન્સીના અધિકારી મોહમ્મદ અલ-મુગૈયરે જણાવ્યું હતું કે, ગાઝામાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ માળખા પર કરારની ગઈકાલે રાત્રે જાહેરાત થયા પછી, ખાસ કરીને ઉત્તરી ગાઝાના વિસ્તારોમાં ઘણા વિસ્ફોટો થયા છે.