ગાઝા યુધ્ધ રોકવા ઇઝરાયલ સહમત, ટ્રમ્પની 20 મુદ્દાની શાંતિ યોજના
હમાસ પ્રસ્તાવ સ્વીકારે તો 48 કલાકમાં જ યુધ્ધ વિરામ: બંધકોના છૂટકારા બાદ ઇઝરાયલ ગાઝામાંથી સેના પાછી ખેંચશે, હમાસ પ્રસ્તાવ ન સ્વીકારે તો ઇઝરાયલ જે કંઇ કરે તેને અમેરિકાનું સમર્થન
મોદીએ પ્રસ્તાવનું સ્વાગત કર્યું, પેલેસ્ટાઇન, આઠ મુસ્લિમ-અરબ સહિત કેટલાય દેશોએ યોજનાને વધાવી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એવામાં હવે તેમણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાનની 20 મુદ્દાની શાંતિ યોજનાની જાહેરાત કરી છે. ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાને એક શાંતિ પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઈઝરાયલ આ પ્રસ્તાવ માટે રાજી છે જ્યારે હવે હમાસના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. ટ્રમ્પનો દાવો છે કે જો હમાસ શાંતિ પ્રસ્તાવ માટે રાજી થઈ જાય તો આગામી 72 કલાકમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો હમાસ આ શાંતિ પ્રસ્તાવ મુદ્દે સહમત નહીં થાય તો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે અને અમેરિકા તેનું સમર્થન કરશે.
યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડ ( શાંતિ બોર્ડ )નું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે. ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઈઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે.
નોંધનીય છે કે 2023થી ચાલુ હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.
ગાઝામાં શાંતિ માટે ટ્રમ્પની યોજનાના મુખ્ય મુદ્દા અનુસાર હમાસ 48 કલાકમાં ઈઝરાયલના બંધકોને મુક્ત કરે પછી સ્થાયી યુદ્ધવિરામ લાગુ કરાશે, ઈઝરાયલ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવશે, ઈઝરાયલ પેલેસ્ટાઈનના બે હજારથી વધુ કેદીઓને છોડશે, ગાઝામાં નવી સરકાર બનાવાશે જેમાં હમાસ સામેલ નહીં હોય, ગાઝા માટે નવી સુરક્ષા ફોર્સ બનાવાશે જેમાં અરબ અને મુસ્લિમ દેશોના સૈનિક હશે, હમાસ તમામ હથિયારો છોડશે તથા તમામ સુરંગ નષ્ટ કરી દેવાશે, હમાસના જે સભ્યો હિંસા છોડવા તૈયાર હોય તેમને માફ કરી ગાઝામાં જ રહેવાની અનુમતિ અપાશે.
જે હિંસા ન છોડવા માંગતા હોય તેમને સુરક્ષિત રીતે ગાઝા છોડવાની મંજૂરી અપાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શાંતિ પ્રસ્તાવને વ્યવહારૂ ગણાવ્યું હતું. આઠ આરબ અને મુસ્લિમ રાષ્ટ્રોએ મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ગાઝા સંઘર્ષનો અંત લાવવા અને પેલેસ્ટિનિયનોના વિસ્થાપનને રોકવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવોનું સ્વાગત કર્યું.
કતાર, જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોએ આ ક્ષેત્રમાં શાંતિનો માર્ગ શોધવા માટે યુએસ પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વ અને નિષ્ઠાવાન પ્રયાસો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ઉપરાંત ફ્રાંસ, યુકે, સ્પેન જેવા યુરોપીય દેશોએ પણ આ યોજનાનું સ્વાગત કર્યું છે.
શાંતિ પ્રસ્તાવનો અભ્યાસ કરીને નિર્ણય કરશું: હમાસ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુધ્ધ રોકવા માટે રજુ કરાયેલ શાંતિ પ્રસ્તાવને હમાસે હજુ સુધી સ્વીકાર્યું નથી. હમાસ દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ગાઝાના યુધ્ધ વિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ શાંતિ કરાર અંગે સંપુર્ણપણે અભ્યાસ કર્યા બાદ જ અમે નિર્ણય લેશું. પેલેસ્ટિનિયન જૂથો તરફથી આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ગાઝા પર ઇઝરાયલના યુદ્ધને સમાપ્ત કરવા માટે 20-મુદ્દાની યોજના પર સંમત થયાની જાહેરાત બાદ આવી છે. ટ્રમ્પે કહ્યું કે આ યોજનામાં આરબ દેશોનો સમાવેશ થશે અને મધ્ય પૂર્વમાં વ્યાપક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.