બુકીઓ-ગેંગસ્ટરનું સ્વર્ગ દુબઇ પણ સુરક્ષિત નથી? બિશ્નોઇના CAની ગળું કાપી હત્યા
વિશ્વના સુરક્ષિત શહેરોમાં અગ્ર ક્રમે આવતું સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત સહિત ભારતભરના બુકીઓ તેમજ ગુનેગારો માટે સ્વર્ગ સમાન દુબઈમાં ગેંગવોરમાં એક હત્યા થઈ હોવાની વાત સામે આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈથી અલગ પડેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર મુકેલી એક પોસ્ટને લઈને દુબઈની સુરક્ષા પર અનેક સવાલ પેદા કર્યા છે. ગેંગવોરના પરિણામે થયેલી આ કથિત હત્યાની કોઈ સત્તાવાર પુષ્ટી તો નથી કરી, પરંતુ આ મામલે કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી. ગેંગસ્ટર રોહિત ગોદારા અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની લડાઈએ દુબઈમાં ખળભળાટ મચાવી દીધો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાંથી દુબઈમાં છુપાયેલા બુકીઓ અને ગુનેગારો આ ઘટના બાદ ભારે વિમાસણમાં મુકાયા છે.
થોડાંક મહિનાઓ પહેલાં ગેંગસ્ટર લોરેન્સ માટે કામ કરતા રોહિત ગોદારા અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે બિશ્નોઈ ગેંગથી અલગ પડી ગયા છે. બે સપ્તાહ અગાઉ રોહિત ગોદારાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકીને લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતા જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પાનું ગળુ કાપીને દુબઈમાં હત્યા કરાવી હોવાનો દાવો કર્યો છે. રોહિત ગોદારાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ દુબઈમાં ગેંગવોર શરૂૂ થઈ હોવાની વાતો વહેતી થઈ ગઈ છે.
13 નવેમ્બરની Rohit Godara Social Media Post માં લખ્યું છે કે, જય શ્રી રામ. રામ રામ બધા ભાઈઓને. હું રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર, વિરેન્દ્ર ચારણ, મહેન્દ્ર સારણ ડેલાણા, વિક્કી પહેલવાન કોટકપુરા આજે જે દુબઈમાં લોરેન્સના સાગરિત જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પાનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે, જે અમે કરાવી છે. આ લોરેન્સનો હેન્ડલર બનીને અમારા ભાઈની જર્મનીમાં હત્યા કરાવવા માણસો મોકલ્યા હતા. દુબઈમાં બેસીને આ શખસ અમેરિકા અને કેનેડામાં લોરેન્સના નામે ધમકીઓ આપતો હતો. લોકો કહે છે કે, દુબઈ સુરક્ષિત છે. તો અમારાથી દુશ્મની કરીને ક્યાંય પણ સુરક્ષિત નહીં રહીં શકાય. જો આ વાત સાચી હોય તો સુરક્ષિત મનાતા દુબઈમાં બિશ્નોઈ અને ગોદારા ગેંગ વચ્ચેની લડાઈ ફરી આગળ વધી શકે છે.