ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીં
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઈરાનને સીધું આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનના સંપૂર્ણ એરસ્પેસ પર હવે અમારો કબજો છે. ત્યારે આ દરમિયાન ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા.
ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. જેના કારણે ઈઝરાયલમાં મૃત્યુઆંક પણ 24 ને પાર થઇ ગયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંકડો 631ની નજીક છે. ઈઝરાયલને આ હુમલાઓને કારણે મોટું નુકસાન થયું છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવા માટે ફતાહ-1 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
ઈરાની સમાચાર એજન્સીઓ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે તેલ અવીવની આસપાસના વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી જારી કરી છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે ઈરાનની ફતાહ મિસાઈલો ઈઝરાયલના સંરક્ષણ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી, જેનાથી તેને ઈઝરાયલના હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ મળ્યું હતું.
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઈએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈઝરાયલને ધમકાવતા યુદ્ધનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે યહૂદીઓની સરકારને અમે બતાવી દઈશું. તેમના પર કોઈ દયા નહીં બતાવવામાં આવે.