નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરન્ટ: ઈઝરાયલની ચેતવણી
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું છે. પ્રથમ વખત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના કોઈ વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરી છે. આ નિર્ણયના થોડા કલાકો બાદ જ બેન્જામિન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આઈસીસીનો આ નિર્ણય યહૂદી વિરોધી છે.
બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કરતા કહ્યું કે, હેગની ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો આ યહૂદી વિરોધી ચુકાદો આધુનિક ડ્રેફસ ટ્રાયલ જેવો છે. તેનો અંત પણ એવો જ હશે. તમને જણાવી દઈએ કે ડ્રાયફસ ટ્રાયલ 1894માં ફ્રેંચ મિલિટ્રીના એક યહૂદી સૈન્ય અધિકારી વિરુદ્ધ ચલાવવામાં આવેલ કેસ હતો. એવું કહેવાય છે કે રાજકીય ભ્રષ્ટાચારના કારણે તેમને આજીવન કેદની સજા થઈ હતી. લશ્કરી અધિકારી પર ફ્રેન્ચ સૈન્યના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનો આરોપ હતો. પાછળથી તે નિર્દોષ જણાયો અને ફરીથી ફ્રેન્ચ સૈન્યમાં અધિકારી બન્યો.આઈસીસીએ પીએમ બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ પર માનવતા વિરુદ્ધ અપરાધો, હત્યા, ત્રાસ અને અમાનવીય પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભૂખમરાને પણ યુદ્ધનું હથિયાર બનાવી દેવામાં આવ્યું છે.
નેતન્યાહુએ કહ્યું, ફ્રાન્સના ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અદાલતે ફરી એકવાર ભૂલ કરી છે. કોર્ટ ખોટા આક્ષેપો કરી રહી છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ કે સામાન્ય નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ ફરિયાદીની નિંદા કરી હતી અને હમાસ સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપ્યું હતું. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સર્વસંમતિથી નેતન્યાહુ અને ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ સામે વોરંટ જારી કરવાનો નિર્ણય લખ્યો હતો.