અમેરિકા ભારતની આંતરિક બાબતમાં ચચુંપાત કરવાના બદલે દર્પણમાં મુખડું જોવે
દુનિયામાં એક તરફ ચીન આર્થિક ને લશ્કરી બંને રીતે જબદરસ્ત તાકાત જમાવીને મહાશક્તિશાળી બની ગયું છે ત્યારે બીજી તરફ રશિયા પણ ભૂતકાળની પોચટ નીતિ છોડીને પાછું તેના અસલી રંગમાં આવી રહ્યું છે. રશિયા અને ચીન નવી ધરી રચીને સાઉદી અરેબિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ સહિતના દેશોને પોતાની તરફ વાળી રહ્યાં છે તેના કારણે અમેરિકાનાં વળતાં પાણી થઈ રહ્યાં છે તોય જગત જમાદાર બનવાના ધખારા જતા નથી. અમેરિકા હજુ ભૂતકાળના એ ભવ્ય દિવસોમાં જ જીવે છે કે જ્યારે આખી દુનિયામાં તેનો પડ્યો બોલ ઝીલાતો અને અમેરિકા કહે એ સવા વીસ ગણાતું. દુનિયાના કોઈ પણ દેશમાં કંઈ પણ બને પણ તેના વિશે બોલવાનો પોતાને અબાધિત અધિકાર છે એવા ભ્રમમાં જ અમેરિકા રાચે છે ને તેનું તાજું ઉદાહરણ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગેની કોમેન્ટ છે. અમેરિકાએ સીએએ અંગે ચિંતા વ્યક્ત કરીને ડહાપણ ડહોળ્યું છે કે, ભારતમાં સીએએના અમલ અંગે અમેરિકા ચિંતિત છે કેમ કે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા એ લોકશાહીનો પાયો છે. યુએસ સીએએ અંગે પહેલેથી ચિંતિત છે અને તેનો અમલ કેવી રીતે થાય છે તેના પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ આડકતરી રીતે ભારતને ચીમકી પણ આપી છે કે, અમેરિકા ક્યારેય પોતાના સિદ્ધાંતો નહીં છોડે તેથી ભારત ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે કોઈ બાંધછોડ ના કરે કે કોઈને અન્યાય પણ ના કરે. અમેરિકાની વાત તેના બેવડાં ધોરણોનો નાદાર નમૂનો છે.
પહેલી વાત તો એ કે, સીએએ ભારતનો આંતરિક મામલો છે ને તેના વિશે અમરિકાને કે કોઈને પણ બોલવાનો અધિકાર જ નથી. ભારતે કોને નાગરિકતા આપવી ને કોને ના આપવી એ અમેરિકા કે બીજું કંઈ નક્કી ના કરી શકે. અમેરિકાનું વલણ ડાહી સાસરે જાય નહીં ને ગાંડી ને શિખામણ આપે એવું છે. અમેરિકામાં આજેય બ્લેક લોકોને સેક્નડ ક્લાસ સિટિઝનશિપ ગણવામાં આવે છે. ભલા માણસ, સમાનતાની એટલી જ ચિંતા હોય તો તેમને પહેલાં સમાન અધિકારો અપાવો. અમેરિકામાં વિદેશથી આવેલા લોકો સાથે કેવા વ્યવહાર ને કેવા ભેદભાવ થાય છે એ આપણી નજર સામે જ છે પણ બ્લેક પ્રજા તો ત્યાંની જ છે છતાં અમેરિકાના શ્વેત લોકો ધૂત્કારે છે. એ વખતે અમેરિકાને સમાનતા કે ન્યાય કશું યાદ આવતું નથી.