ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છે
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર હોબાળો ખડો કરી દીધો છે. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો તેમાંથી વિરોધ શરૂૂ થયો ને છેલ્લા બે દિવસથી આ ઘટના ટ્રેન્ડ કરી રહી છે. જૈને ’એક્સ’ પર લખેલું કે, મેં નેવાર્ક એરપોર્ટ પર યુવાન ભારતીય વિદ્યાર્થીને હાથકડી પહેરાવીને રડતો જોયો. તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરાઈ રહ્યો હતો. વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો કે, હું પાગલ નથી અને આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જૈને લખ્યું છે કે, આ વિદ્યાર્થી પોતાનાં સપનાં પૂરાં કરવા અમેરિકા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) તરીકે હું મારી જાતને નિ:સહાય અને ભાંગી પડેલો અનુભવું છું. જૈનના કહેવા પ્રમાણે, આ વિદ્યાર્થીને શા માટે દેશનિકાલ કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી પણ દરરોજ આવા 3-4 કિસ્સા બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા કિસ્સાઓ ઘણા વધી ગયા છે.
આ છોકરાં સવારે વિઝા લઈને ફ્લાઇટ દ્વારા અમેરિકા આવે છે પણ કોઈ કારણોસર ઇમિગ્રેશન અધિકારીઓને આગમનનું કારણ સમજાવી શકતા નથી તેથી સાંજની ફ્લાઇટ દ્વારા ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને પાછા ભારત મોકલી દેવામાં આવે છે. જૈને ભારતીય દૂતાવાસ, અમેરિકા અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવા અપીલ કરીને લખ્યું છે કે, આ વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું છે તેની કોઈએ તપાસ કરવી જોઈએ. જૈને બતાવેલી સંવેદનશીલતાને લોકોએ બિરદાવી છે અને અમેરિકા સામે આક્રોશ ઠલવાઈ રહ્યો છે.
અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ સાથે અત્યંત અમાનવીય વર્તન કરી રહી છે પેલેસ્ટાઇનને ટેકો આપવાથી માંડીને ટ્રાફિક ઉલ્લંઘન જેવા બક્વાસ કારણોસર વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરીને તેમને પોતપોતાના દેશમાં મોકલાઈ રહ્યા છે એ હકીકત છે તેથી અમેરિકા સામેનો આક્રોશ અયોગ્ય નથી, પણ તેનો ઉપાય પણ નથી. કમ સે કમ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે ત્યાં લગી તો આ પ્રકારની ઘટનાઓ બનવાની જ છે. ટ્રમ્પને પ્રમુખ બન્યે હજુ છ મહિના પણ પૂરા થયા નથી ને તેમની સાડા ત્રણ વર્ષની મુદત બાકી છે એ જોતાં હજુ ઓછામાં ઓછાં સાડા ત્રણ વર્ષ સુધી તો વિદેશી વિદ્યાર્થીઓએ આ પ્રકારના વર્તન માટે તૈયાર રહેવું પડશે. ટ્રમ્પના સ્થાને ડેમોક્રેટિક પાર્ટીનો કોઈ નેતા પ્રમુખપદે આવે તો સ્થિતી ચોક્કસ બદલાશે, પણ ટ્રમ્પના બદલે તેમની જ રીપબ્લિકન પાર્ટીનો આવો જ કોઈ માથાફરેલ પ્રમુખ આવી ગયો તો અપમાન અને યાતનાનો આ સમય હજુ લંબાઈ શકે છે.