ભારત-પાક. વચ્ચે ક્રિકેટ સંબંધે કોઇ વાત જ થઇ નથી: વિદેશ મંત્રાલય
2008માં મુંબઇ આતંકવાદી હુમલા બાદ ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઇ નથી
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પર કોઈ વાતચીત થઈ ન હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે આ અહેવાલો પર સ્પષ્ટતા કરી હતી. એમઇએએ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે જયશંકર અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર વચ્ચે ક્રિકેટ સંબંધો પર કોઈ ચર્ચા થઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને લઈને કોઈ ચર્ચા થઈ નથી. આ વાત અફવા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે એસસીઓ સરકારના વડાઓની 23મી બેઠકમાં હાજરી આપી હતી. જયશંકર 2012 પછી પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વિદેશ મંત્રી બન્યા. પ્રવક્તાએ કહ્યું કે મુલાકાતનું ધ્યાન માત્ર એસસીઓ એજન્ડા પર હતું અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ પર કોઈ ચર્ચા થઈ નથી.
નોંધનીય છે કે 2008માં મુંબઈ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમાઈ નથી, ત્યારબાદ રમતગમતના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. જોકે બંને દેશો આઇસીસી ટુર્નામેન્ટ અને એશિયા કપમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, પરંતુ ભારતે 2008ના એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2025માં પાકિસ્તાન દ્વારા યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું ચિત્ર પણ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હજુ સુધી સ્પષ્ટ નથી.