ભારતના દુશ્મન મૌલાના અબ્દુલ અજીજનું પાકમાં રહસ્યમય મોત
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનો ખેલ ખતમ થઇ ગયો છે. આતંકનો ચહેરો ગણાતા જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઇસરનું મોત થયું છે. રહસ્યમય રીતે થયેલા આ મોતે આતંકના નેટવર્ક સુધી હલચલ મચાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર આતંકી પાકિસ્તાનના બહાવલપુરમાં મૃત મળ્યો હતો જ્યાં જૈશનું કાર્યાલય પણ છે. અબ્દુલ અજીજ તે આતંકી હતો જેને ગત મહિને જૈશની એક રેલીમાં ભારત વિરૂૂદ્ધ ઝેર ઓક્યું હતું, તેણે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે ભારતનું પણ USSR જેવું જ પરિણામ આવશે. તેનું સ્વપ્ન પૂરું થયું નહીં, પરંતુ આજે તે જ આતંકવાદીનો અંત આવ્યો છે. જૈશ અને પાકિસ્તાન સરકારે આ મોત અંગે મૌન સેવ્યું છે.
જૈશ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે તેના મૃત્યુ અને જનાજાની પુષ્ટિ કરી છે, પરંતુ મોતના કારણ વિશે એક પણ શબ્દ બોલવામાં આવ્યો નથી.
રિપોર્ટ્સ અનુસાર, અબ્દુલ અજીજ જૈશ-એ-મોહમ્મદના પંજાબ પ્રાંત અને ખાસ કરીને બહાવલપુર, રાવલપિંડી જેવા વિસ્તારમાં યુવાઓને કટ્ટરપંથી બનાવવા અને ભારત વિરૂૂદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો, તેનું મોત જૈશ માટે એક મોટો ઝટકો છે, ખાસ કરીને લોકલ ભરતી અને માઇન્ડવોશ નેટવર્ક માટે. જૈશ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટનું કહેવું છે કે તેને બહાવલપુરમાં દફન કરવામાં આવ્યો છે પરંતુ તેના મોતનું કારણ જાણી શકાયું નથી.