ભારતની પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી: PAKના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન, ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરતા તેના X એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ કહ્યું હતું કે પાકિસ્તાન હાઇ એલર્ટ પર છે અને તેની સેના સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો પાકિસ્તાનના અસ્તિત્વ માટે સીધો ખતરો હોય તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેમના નિવેદન પછી, ભારત સરકારે આ પગલું ભર્યું છે.
સરકારે ઘણી યુટ્યુબ ચેનલો સામે પણ કાર્યવાહી કરી હતી
પહલગામ હુમલા પછી, ભારત સતત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારત સરકારે અગાઉ પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયની ભલામણ પર ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી આ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, ખોટી અને ભ્રામક વાતો ફેલાવી રહી હતી. સરકારનું કહેવું છે કે આ ચેનલો દેશની શાંતિ અને એકતાને નુકસાન પહોંચાડી શકે છે.