જસ્ટિન ટ્રુડોની વિદાયથી ભારતીયો ખુશ, કેનેડા હવે ભારત પ્રત્યેનું વલણ બદલે
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આણીને છેવટે કેનેડાના વડા પ્રધાનપદેથી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું હતું. જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા છે અને તેમણે લિબરલ પાર્ટીના નેતાપદેથી પણ રાજીનામું આપી દીધું. ટ્રુડોના પક્ષ લિબરલ પાર્ટીના 24 સાંસદોએ ઓક્ટોબરમાં જાહેરમાં તેમના રાજીનામાની માગ કરી ત્યારથી ટૂડો આજે જશે કાલે જશે એવું ચાલતું હતું પણ ટુડો મગનું નામ મરી નહોતા પાડતા. છેવટે સોમવારના સપરમા દાડે તેમણે અલવિદા કરી નાખ્યું.
ટ્રુડો કેનેડામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ખાલિસ્તાનવાદીઓને પંપાળતા હતા ને ભારત સાથેના સંબંધો પણ બગાડીને બેસી ગયેલા તેથી સ્વાભાવિક રીતે જ ભારતમાં ટ્રુડોની વિદાયથી ખુશી છે. ટ્રુડોની મહેરબાનીથી ભારત અને કેનેડાના સંબંધોમાં લાંબા સમયથી તણાવ છે. ગયા વરસના સપ્ટેમ્બરમાં જસ્ટિન ટ્રુડોએ 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત સંડોવણીનો આક્ષેપ મૂક્યો પછી ભારત-કેનેડા વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ટ્રુડો તેમની ખરાબ આર્થિક નીતિઓના કારણે ગયા છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખપદે ચૂંટાયા એ પણ એક કારણ છે. સતત વધી રહેલી મોંઘવારીને કારણે ટ્રુડો સામે કેનેડિયનોમાં નારાજગી છે. ટુડોએ કેનેડાને મજબૂત ઈકોનોમી બનાવવા માટે વિદેશીઓ માટે દરવાજા ખોલ્યા પણ તેમના માટે સવલતો ઊભી ના કરી શક્યા. આ કારણે કેનેડામાં અત્યારે ઘરોની તંગી છે. આ કારણે પણ લોકો બહુ પરેશાન છે. કેનેડામાં ઇમિગ્રન્ટ્સ એટલે કે વિદેશથી આવનારાં લોકોની વધતી સંખ્યા અને કોવિડ-19 પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે દેશ પર પડી રહેલા બોજ અને ચીજવસ્તુઓની તંગી સહિતના પ્રશ્નો પણ સતાવી રહ્યા હતા. ટ્રુડોએ બચવાના છેલ્લા હવાતિયા તરીકે દરેક નાગરિકના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવાની જાહેરાત કરી નાંખી. આ પગલાના વિરોધમાં કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણાં મંત્રી ક્રિસ્ટિયાએ રાજીનામું આપીદ 1 દીધું છે.
ક્રિસ્ટિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, છેલ્લા કેટલાક સમયથી ટ્રુડો અને પોતે ઘણી બાબતો પર સહમત ન હતા. ટ્રુડોના રાજીનામાના પગલે હવે નવા વડા પ્રધાન નિમાય છે કે સીધી ચૂંટણી આવી પડે છે એ જોવાનું રહે છે. લિબરલ પાર્ટીમાં વિદેશ મંત્રી મેલાની જોલી, ડોમિનિક લેબ્લેન્ક, માર્ક કાની જેવા ઘણા નામ છે જે ટ્રુડોનું સ્થાન લઈ શકે છે પણ સવાલ તેમાંથી કોઈને બીજા પક્ષ ટેકો આપવા તૈયાર થાય છે કે નહીં તેનો છે. કેનેડામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે અને સંસદસભ્યો ચૂંટવા માટે ઓક્ટોબર પહેલાં ચૂંટણી કરવી પડશે. ટ્રુડોની પાર્ટી પાસે બહુમતી નથી ને કોઈ ટેકો ના આપે તો તાત્કાલિક ચૂંટણી થઈ જાય એવું પણ બને. ભારતને તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે કેનેડામાં ગમે તે સરકાર આવે, ભારત તરફના વલણમાં બહુ ફરક નહીં પડે.