સાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત
ખાનગી કંપનીમાં કરતો હતો કામ, પત્નીને મેસેજ કર્યા બાદ મોત મળ્યું
ગિરિડીહ જિલ્લાના ડુમરી બ્લોકના મધગોપાલી પંચાયતના દૂધપાનિયાના પ્રવાસી મજૂર વિજય કુમાર મહતોનું સાઉદી અરેબિયામાં મોત થયું છે. આ મામલાને ગંભીરતાથી લેતા ધારાસભ્ય જયરામ કુમાર મહતોએ ભારતીય દૂતાવાસ, ઝારખંડના રાજ્યપાલ અને ગિરિડીહના ડીસીને પત્ર લખીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. મૃતક વિજય કુમાર મહતો હ્યુન્ડાઇ એન્જિનિયરિંગ અને ક્ધસ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતા હતા.
કંપનીના વરિષ્ઠ અધિકારીની સૂચના પર વિજય કાર્યસ્થળે કેટલીક સામગ્રી લેવા ગયો હતો, ત્યારે સ્થાનિક પોલીસે દાણચોરોને પકડવા માટે ગોળીબાર શરૂૂ કર્યો હતો. ઘટનાસ્થળ પરથી પસાર થઈ રહેલા વિજય કુમાર મહતોને પોલીસે આકસ્મિક રીતે ગોળી મારી દીધી હતી. તેમને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 24 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
મૃતકે પોતાની પત્નીને લખેલી છેલ્લી વોઇસ નોટમાં કહ્યું હતું કે પોલીસ કોઈ બીજા પર ગોળીબાર કરી રહી હતી, પરંતુ ગોળી ભૂલથી તેને વાગી ગઈ. આ દુ:ખદ ઘટના બાદ ડુમરી વિધાનસભાના ધારાસભ્ય જયરામ કુમાર મહતોએ સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને પત્ર લખીને આ મામલાની નિષ્પક્ષ તપાસ અને મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે. વિજય કુમાર મહતોના મૃત્યુની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. શોકગ્રસ્ત પરિવારને કાનૂની અને નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ.
