બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર
વંશીય હિંસાની બીજી ઘટનાથી લોકો ભયભીત
બ્રિટનમાં ભારતીય મૂળના લોકો સામે વંશીય હિંસાનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસ 20 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપી શ્વેત પુરુષની શોધ કરી રહી છે. પીડિતા ભારતીય મૂળની હોવાનું માનવામાં આવે છે. પોલીસ આ ઘટનાને વંશીય હુમલો માની રહી છે. આરોપીનો ફોટોગ્રાફ પણ બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ કહે છે કે તેઓ આરોપીને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ કહે છે કે શેરીમાં એક મહિલા વ્યથિત હાલતમાં મળી આવ્યા બાદ તેમને વોલ્સોલના પાર્ક હોલ વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા. તપાસ અધિકારી રોનન ટાયરે રવિવારે જણાવ્યું હતું કે, એક મહિલા પર ગંભીર હુમલો થયો હતો, અને અમે જવાબદાર વ્યક્તિને ધરપકડ કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું, અમે પુરાવા એકત્રિત કરવા અને હુમલાખોરનું પ્રોફાઇલ બનાવવા માટે અધિકારીઓની ટીમો તૈનાત કરી છે જેથી તેને શક્ય તેટલી વહેલી તકે કસ્ટડીમાં લઈ શકાય. અમે ઘણા વિસ્તારોની તપાસ કરી રહ્યા છીએ, અને ઘટના સમયે આ વિસ્તારમાં શંકાસ્પદ દેખાતા કોઈપણ વ્યક્તિ પાસેથી સાંભળવું મહત્વપૂર્ણ રહેશે.
