અમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયા
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ફાર્મા ટાઇકૂન તન્મય શર્માને લોસ એન્જિલસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી લીધી છે. સોવરેન હેલ્થ ગ્રુપના સંસ્થાપક અને પૂર્વ સીઈઓને 149 મિલિયન ડોલર (લગભગ 1244 કરોડ રૂૂપિયા)ના હેલ્થકેર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફોર્નિયામાં અમેરિકાના એટર્ની ઑફિસ અનુસાર, સોવરેન હેલ્થ ગ્રુપે ભ્રામક વ્યૂહનીતિનો ઉપયોગ કરીને દર્દીને તેમની જાણકારી વિના ઇન્સ્યોરન્સ પ્લાનમાં છેતરપિંડીથી નોંધણી કરાવી હતી.
શર્મા પર ચાર વાયર ફ્રોડ, એક કોન્સપિરેસી અને ત્રણ ક્લિનિકલ ઉપચાર સુવિધા માટે ગેરકાયદે કમિશન સંબંધિત આઠ ગંભીર આરોપ લગાવ્યા છે. શર્માની કંપની સોવરેન હેલ્થ ગ્રુપે ગેરકાયદે યુરિનલિસિસ સ્ટેટ માટે વીમા કંપનીનું બિલ મોકલીને 29 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરી છે.
આ સિવાય તેમણે (તન્મય)ના દર્દીને રેફર કરવા માટે 21 મિલિયન ડોલરથી વધુ ગેરકાયદે કમિશનની ભરપાઈ કરી. આ ભરપાઈને સંતાડવા માટે શર્મા અને તેમના સહ-આરોપી પોલ જિન સેન ખોરે નકલી કોન્ટ્રાક્ટ બનાવ્યા. આ મામલે સહ-આરોપી પોલ જિન સેન ખોરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેણે પોતાને નિર્દોષ જણાવ્યું. આ કેસની સુનાવણી 29 જુલાઈએ નક્કી કરવામાં આવી છે.
તન્મય શર્મા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંશોધન મનોચિકિત્સક છે જેમણે સ્કિઝોફ્રેનિયા અને માનસિક બીમારીઓમાં મગજના કાર્ય અને માનવ વર્તન પર નોંધપાત્ર સંશોધન કર્યું છે. ગુવાહાટીના બામુનીમૈદમના વતની શર્મા સ્વર્ગસ્થ થિયેટર કલાકાર, નાટ્યકાર અને ફિલ્મ અભિનેતા ફણી શર્માના મોટા દીકરા છે. તેમના પિતા અનુરાધા સિનેમા હોલ અને હવે બંધ થઈ ગયેલા રૂૂપાયણ અને અનુપમા સિનેમા હોલના માલિક હતા.