ભારતીય હોકી ટીમનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં જર્મની સામે હાર
ભારત અને જર્મનીની મેન્સ હોકી ટીમ વચ્ચેની સેમી ફાઈનલ મેચ ત્રીજા ક્વાર્ટર સુધી ટાઈ રહી હતી, પરંતુ જર્મનીએ મેચ પૂરી થવાના છ મિનિટ પહેલા લીડ મેળવી લીધી હતી અને મેચ જીતીને પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં ટીમ પાછળ રહી ગઈ હતી.
જો કે, ત્રીજા ક્વાર્ટરમાં ભારત માટે સુખજિત સિંહે બરાબરી કરી હતી, પરંતુ જર્મનીએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને મેચ 3-2થી જીતીને ગોલ્ડ મેડલની મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે ફાઇનલમાં જર્મનીનો સામનો નેધરલેન્ડ સામે થશે જ્યારે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સામે ટકરાશે.
વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ મંગળવારે ભારતીય હોકી ટીમનું 44 વર્ષ બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તોડી નાખ્યું. પોતાના અનુભવી ડિફેન્ડર અમિત રોહિદાસ વિના રહેલી ભારતીય ટીમે આ મહત્વપૂર્ણ મેચમાં દબાણમાં ઘણી ભૂલો કરી હતી, જેનો જર્મનીએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ત્યારથી ટીમ ઓલિમ્પિક ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરી રહી છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે ટીમ પોતાના મેડલનો રંગ બદલી શકી ન હતી અને ઓલિમ્પિક ગોલ્ડ જીતવા માટે તેની 44 વર્ષની રાહ લંબાઇ હતી.