અમેરિકામાં ભારતીય અબજપતિઓનો ડંકો: ચીન પણ પાછળ
વિદેશી મૂળના 125 અબજોપતિમાંથી 12 ભારતીયો: જય ચૌધરી મોખરે
અમેરિકામાં અગ્રણી અબજોપતિઓની યાદીમાં ભારતે ચીન અને ઇઝરાયલને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ યાદીમાં, ઉદ્યોગસાહસિક જય ચૌધરીને સૌથી ધનિક ભારતીય-અમેરિકન તરીકે ઓળખવામાં આવ્યા છે. ફોર્બ્સ દ્વારા તાજેતરમાં પ્રકાશિત પઅમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ 2025’ યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. આમાં, ભારતને અમેરિકામાં અબજોપતિ ઇમિગ્રન્ટ્સનો સૌથી મોટો સ્ત્રોત દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ અહેવાલ બુધવારે પ્રકાશિત થયો હતો અને આમાં ભારતે ઇઝરાયલ અને તાઇવાનને પાછળ છોડી દીધું છે.
ફોર્બ્સ અનુસાર, અમેરિકામાં રહેતા વિદેશી મૂળના અબજોપતિ નાગરિકોની સંખ્યા હવે વધીને 125 થઈ ગઈ છે, જે 2022 માં 92 હતી. આ અબજોપતિઓ હવે અમેરિકાની કુલ અબજોપતિ સંપત્તિમાં 18% યોગદાન આપી રહ્યા છે, જેની કુલ અંદાજિત રકમ 7.2 ટ્રિલિયન છે. વિદેશી અબજોપતિઓની કુલ સંપત્તિ 1.3 ટ્રિલિયન હોવાનો અંદાજ છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
2022 માં, ભારતના ફક્ત 7 અબજોપતિ પ્રવાસીઓ અમેરિકામાં હતા, જ્યારે ઇઝરાયલ, કેનેડા જેવા દેશો તેમનાથી આગળ હતા. પરંતુ 2025 ની યાદીમાં ભારત પહેલા સ્થાને આવ્યું છે, જેમાં હવે 12 ભારતીય મૂળના અબજોપતિ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલ અને તાઇવાન 11-11 અબજોપતિઓ સાથે બીજા સ્થાને છે. ચીન પણ 8 અબજોપતિઓ સાથે આ યાદીમાં છે.
આ યાદીમાં, ઝેડસ્કેલરના સીઈઓ અને સાયબર સુરક્ષા જાયન્ટ જય ચૌધરીને સૌથી ધનિક ભારતીય-અમેરિકન અબજોપતિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 17.9 બિલિયન (લગભગ ₹1.49 લાખ કરોડ) હોવાનું કહેવાય છે. અન્ય અગ્રણી ભારતીય મૂળના અબજોપતિઓમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ખોસલા વેન્ચર્સના વિનોદ ખોસલાનો સમાવેશ થાય છે.