વેપાર સોદાની શરતો પર ભારત, અમેરિકા સંમત: 8મીએ જાહેરાત
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ સકારાત્મક ધોરણે આગળ વધી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની 90 દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ભારત પર 10 ટકાનો બેઝલાઈન ટેરિફ તો લાગુ જ છે. અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો પર ડીલ થશે.
અમેરિકાને કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સમાં ડ્યૂટીમાં રાહત આપવાથી ભારત માટે પડકારો ઉભા થયા છે. ભારતે મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે અત્યારસુધી કોઈ કરાર કર્યા નથી. જેથી આ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો, વાઈન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ, ડેરી, અને કૃષિ પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની ઈચ્છા ધરાવે છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ, તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની માગ કરી છે.