સિંધુ જળ સંધિ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને ફગાવતું ભારત
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ડિઝાઇન માપદંડોનું અર્થઘટન કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટે કથિતપણે નિર્ણય લેતાં પાક. નાચવા લાગ્યું હતું
ભારતે તેના પાડોશી દેશ પાકિસ્તાનને ફરી એક ઝટકો આપ્યો છે. સિંધુ નદી જળ સંધિને સ્થગિત કરવાના અને પશ્ચિમી નદીઓ પર બાંધવામાં આવનાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ડિઝાઇનનું અર્થઘટન કરવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયથી પાકિસ્તાન ખૂબ ખુશ હતું અને ખુશીથી કૂદી રહ્યું હતું, પરંતુ ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના કથિત નિર્ણયને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તે તેના અધિકારક્ષેત્રમાં પણ નથી.
હકીકતમાં, ત્રણ પશ્ચિમી નદીઓ (ચેનાબ, ઝેલમ અને સિંધુ) પર બાંધવામાં આવનાર નવા રિવર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન માપદંડોનું અર્થઘટન કરવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયથી પાકિસ્તાન ખુશ હતું અને તે કહી રહ્યું હતું કે તે સિંધુ જળ સંધિ (IWT) પર તેના વલણની પુષ્ટિ કરે છે, જેને ભારતે પહેલગામ હુમલા પછી સ્થગિત કરી દીધી હતી. પરંતુ હવે ભારતે ફરીથી પાકિસ્તાનની ખુશી પર પાણી ફેરવી દીધું છે.
ભારતે ક્યારેય મધ્યસ્થી અદાલતને માન્યતા આપી નથી, જેણે અહેવાલ મુજબ ચુકાદો આપ્યો હતો કે ભારતે પશ્ચિમી નદીઓનું પાણી પાકિસ્તાનના ઉપયોગ માટે અવરોધ વિના અને કોઈપણ પ્રતિબંધ વિના વહેવા દેવું જોઈએ. ભારતે મધ્યસ્થી અદાલતને બદલે તટસ્થ નિષ્ણાત તંત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, ભારત દ્વારા સ્થાપિત થનારા હાઇડ્રોપાવર પ્લાન્ટ સિંધુ જળ સંધિમાં જરૂૂરિયાતો અને સ્પષ્ટ અપવાદો અનુસાર હોવા જોઈએ, ભારતના આદર્શ અથવા શ્રેષ્ઠ પ્રથાઓ અભિગમ સાથે સુસંગત ન હોવા જોઈએ. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી અને તે બુધવારે અપેક્ષિત છે.
TOI ના અહેવાલમાં જણાવાયું છે કે સૂત્રોએ પાકિસ્તાનને યાદ અપાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે પ્રોજેક્ટ્સ પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે સિંધુ જળ સંધિમાં સુધારો કરતી સૂચના પહેલાથી જ જારી કરવામાં આવી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના આગ્રહ પર એક જ મુદ્દા પર તટસ્થ નિષ્ણાત તંત્ર અને મધ્યસ્થી ટ્રિબ્યુનલ બંનેને એકસાથે સક્રિય કરવાના વિશ્વ બેંકના નિર્ણયને ક્યારેય સ્વીકાર્યો નથી. આ જ કારણ છે કે સંધિ વિવાદ નિરાકરણ પ્રક્રિયા પર પુનર્વિચારણાની માંગ કરવામાં આવી છે.
ભારત અમારા હક્કના પાણીનું એક ટીપું પણ નહીં છીનવી શકે
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પછી હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાણી અંગે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે તેમનો દેશ ભારતને તેના હકના પાણીનું એક ટીપું પણ છીનવા નહીં દે. તેમણે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તેઓ પાણી રોકવાની ધમકી આપે છે, તો યાદ રાખજો કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી નહીં શકો. જો તમે આવું કરવાનો પ્રયાસ કરશો, તો યાદ રાખો કે તમને પાઠ ભણાવવામાં આવશે અને તમને તમારા કાન પકડવાની ફરજ પાડવામાં આવશે.