'ભારત મદદ માટે તૈયાર', મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદી
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.
આ ભૂકંપ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પર સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું, "હું દરેકની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારતે તમામ શક્ય મદદ આપવાનું વચન આપ્યું છે. આ સંદર્ભમાં ભારતીય અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ, વિદેશ મંત્રાલય (MEA)ને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારોના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે."
https://x.com/narendramodi/status/1905534514505678980
ભારતે તેના તરફથી આ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પગલાં લીધાં છે. વડાપ્રધાન મોદીએ ભારતીય અધિકારીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે સતર્ક રહેવા સૂચના આપી છે. વિદેશ મંત્રાલય (MEA)ને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારો સાથે સંપર્ક જાળવી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડી શકાય.
ભૂકંપ ક્યારે આવ્યો
USGS અનુસાર મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી.