''ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક...' પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ઓકાત કબૂલી છતાં ટંગડી ઊંચી રાખી
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં રહેતા પાકિસ્તાનીઓ વચ્ચે ભારત સામે ઝેર ઓંકતા સમયે પોતાના દેશ વિશે સાચું બોલી ગયા હતા, તેમના નિવેદનની લોકો બરાબરની મજાક ઉડાવી રહ્યાં છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અમેરિકામાં રહેતા પાકિસ્તાનીઓમાં પોતાના દેશ વિશે ફેંકમ ફેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમના ભાષણ દરમિયાન તેમના મોઢામાંથી એવું નિવેદન નીકળી ગયું જેની ભારે ચર્ચા છે. જનરલ મુનીરે કહ્યું હતું કે, ભારત હાઇવે પર દોડતી ચમચમાતી મર્સિડીસ જેવું છે અને આપણે કબાડ ભરેલી ગાડી છીએ. મુનીરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે જેમાં તે પોતાના દેશની ફજેતી કરી રહ્યા છે.
લોકોએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું પણ શરુ કરી દીધુ છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે, પાકિસ્તાનનો કબાડ ભરેલો ટ્રક મર્સસિડીસ પાસે પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જશે. નોંધનીય છે કે, પોતાની યુએસ મુલાકાત દરમિયાન મુનીરે ભારતને મિસાઇલ હુમલાની ધમકી પણ આપી હતી.
આ ઉપરાંત ફ્લોરિડામાં પાકિસ્તાનીઓ સાથે વાત કરતા પાક. આર્મી ચીફે પાતાના ભાષણમાં કહ્યું હતું કે, દાયકાઓથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી રહી હોવા છતાં, ભવિષ્ય ઉજ્જવળ છે. અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન સાથેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે અને આપણા દેશની 64 ટકા યુવા વસ્તી એ આપયણી તાકાત છે. આ સાથે તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પાસે તેલ અને ખનિજોનો વિશાળ ભંડાર છે, જે દેશને આર્થિક દલદલમાંથી બહાર કાઢશે.
કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ: મુનિરનો ભારત વિરૂધ્ધ બકવાસ
પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પોતાના ભારત વિરોધી નિવેદનોનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે કાશ્મીર તેમના દેશ માટે ગળાની નસ છે. પાકિસ્તાની સેના પ્રમુખે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. પહેલગામ હુમલાના અઠવાડિયા પહેલા, મુનીરે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ભૂલી શકશે નહીં, અને ભારપૂર્વક કહ્યું હતું કે, તે અમારી ગળાની નસ હતી. મુનીરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને દૃઢતાપૂર્વક અને બળપૂર્વક જવાબ આપ્યો હતો અને ઇસ્લામાબાદે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ભારતીય આક્રમણનો યોગ્ય જવાબ આપવામાં આવશે.