ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ આશ્ચર્યજનક રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં. વધારે આશ્ચર્યજનક વાત એ છે કે, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં છે તેની જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. ટ્રમ્પના નિવેદને સ્વાભાવિક રીતે જ ગૂંચવાડો પેદા કરી દીધેલો કેમ કે ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ દેશે સત્તાવાર રીતે યુધ્ધવિરામ સ્વીકાર્યો હોવાની જાહેરાત કરી નહોતી. ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનના ઝગડામાં પક્ષકાર પણ નથી તેથી પણ ગૂંચવાડો હતો પણ એકાદ કલાકમાં ભારત અને પાકિસ્તાન બંનેએ સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરી નાખતાં ટ્રમ્પ સાચા સાબિત થયા. અલબત્ત ભારત અને પાકિસ્તાન બંનેએ યુદ્ધવિરામ સ્વીકાર્યાની જાહેરાત જે રીતે કરી એ પણ આશ્ચર્યજનક છે. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરી.
ટ્રમ્પના નિવેદનના 30 મિનિટ પછી વિદેશ સચિવ વિક્રમ મિસરી સાંજે 6 વાગ્યે પ્રેસ બ્રીફિંગ માટે આવ્યા અને એલાન કર્યું કે, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓએ શનિવારે બપોરે 3:35 વાગ્યે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો હતો. આ ફોન પછી શનિવારે સાંજે 5 વાગ્યાથી બંને પક્ષો ગ્રાઉન્ડ, એર અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. આ કરારનો અમલ કરવા માટે બંને પક્ષોને સૂચનાઓ આપવામાં આવી છે અને બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરશે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું કે, પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.
ડારે ડહાપણ પણ ડહોળ્યું કે, પાકિસ્તાન હંમેશાં તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે. ઈશાક ડારે એવું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કર્યો કે, પાકિસ્તાને નહીં પણ ભારતે સમાધાન કરીને યુદ્ધવિરામ સ્વીકાર્યો છે. ભારતે સતત હલ્લાબોલ ચાલુ રાખ્યું હોત તો આતંકવાદીઓના બધા અડ્ડા સાફ થઈ ગયા હોત. હવે યુદ્ધવિરામ સ્વીકારી લીધો તેથી ભારતે આતંકવાદીઓ સામેનું ઓપરેશન પણ બંધ રાખવું પડશે. તેના કારણે આતંકવાદીઓને ફરી બેઠા થવાનો સમય મળી જશે. પાકિસ્તાન આર્મીને પણ ફરી પીઓકે અને પાકિસ્તાનના પંજાબ સહિતના વિસ્તારોમાં પણ નવેસરથી આતંકવાદી કેમ્પો ઊભા કરવાનો સમય મળી જશે. મતલબ કે, યુદ્ધવિરામથી સૌથી વધારે ફાયદો આતંકવાદીઓને થશે.