ભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશે
અમેરિકાની ચેતવણી છતાં ઓકટોજેન તરીકે ઓળખાતું રાસાયણિક સંયોજન રશિયન કંપનીને મોકલ્યું
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. જ્યારે પણ ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે રશિયાએ મદદ કરી છે. આ ઉપકારના બદલામાં ભારતે પણ ઘણું આપ્યું છે. જોકે, ભારતે રશિયા-યુક્રેન યુદ્ધથી અંતર જાળવી રાખ્યું છે.દરમિયાન, સમાચાર એજન્સીના એક અહેવાલમાં દાવો કર્યો છે કે એક ભારતીય કંપનીએ વિસ્ફોટકો બનાવવામાં વપરાતું રસાયણ રશિયા મોકલ્યું છે.
ભારતીય કસ્ટમ ડેટાના આધારે એક એજન્સીએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે એક ભારતીય કંપનીએ ડિસેમ્બરમાં લશ્કરી ઉપયોગ માટે રશિયાને 1.4 મિલિયનનું વિસ્ફોટક સંયોજન મોકલ્યું હતું. આ સંયોજનHMX અથવા ઓક્ટોજેન તરીકે ઓળખાય છે. તે રિસીવ કરનાર રશિયન કંપનીઓમાંની એક પ્રોમસિન્ટેઝ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોમસિન્ટેઝ રશિયન સૈન્ય માટે વિસ્ફોટકો બનાવે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેને એપ્રિલમાં પ્રોમસિન્ટેઝની માલિકીની ફેક્ટરી પર ડ્રોન હુમલો કર્યો હતો. પેન્ટાગોનના ડિફેન્સ ટેકનિકલ ઇન્ફર્મેશન સેન્ટર અને સંબંધિત ડિફેન્સ રિસર્ચ પ્રોગ્રામ્સ અનુસાર,HMXનો ઉપયોગ મિસાઇલ અને ટોર્પિડો વોરહેડ્સ, રોકેટ મોટર્સ, વિસ્ફોટક પ્રોજેક્ટાઇલ્સ અને અદ્યતન લશ્કરી પ્રણાલીઓ માટે પ્લાસ્ટિક-બાઉન્ડ વિસ્ફોટકોમાં વ્યાપકપણે થાય છે.
અમેરિકાએHMXને રશિયાના યુદ્ધ પ્રયાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે અને નાણાકીય સંસ્થાઓને મોસ્કોને આ પદાર્થના કોઈપણ વેચાણમાં મદદ કરવા સામે ચેતવણી આપી છે.રશિયન શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ વર્ષોથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન સામેના યુદ્ધને ટકાવી રાખવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી આ યુદ્ધ આજ સુધી ચાલુ છે અને યુદ્ધવિરામની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં યુક્રેનને બચાવવા માટે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના ઉદાહરણને અનુસરીને, ડઝનબંધ પશ્ચિમી દેશોએ રશિયા સામે પ્રતિબંધો લાદ્યા છે અને રશિયન સંપત્તિ જપ્ત કરી છે.
અમેરિકા પ્રતિબંધો લાદી શકે છે
અહેવાલમાં પ્રતિબંધોની હિમાયત કરનારા ત્રણ નિષ્ણાતોના મતે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પાસે રશિયાને HMX અને તેના જેવા પદાર્થો વેચનારાઓ પર પ્રતિબંધો લાદવાનો અધિકાર છે. HMXને ઉચ્ચ વિસ્ફોટક માનવામાં આવે છે, જેનો અર્થ છે કે તે ઝડપથી વિસ્ફોટ કરે છે અને મહત્તમ વિનાશ માટે બન્યો છે. એક અહેવાલમાં એમ પણ કહ્યું હતું કે HMXના શિપમેન્ટ ભારત સરકારની નીતિનું ઉલ્લંઘન કરે છે તેવા કોઈ સંકેત નથી.