બાંગ્લાદેશમાં સેનાએ વચગાળાની સરકાર બનાવી, હિન્દુ નેતાને સલાહકાર બનાવાયા
બાંગ્લાદેશમાં ફાટેલી હિંસક ચળવળ બાદ શેખ હસીનાએ રાજીનામું ધરી દેતાં સેનાએ હાલમાં વચગાળાની સરકાર બનાવી છે. સેના ચીફે સરકાર ચલાવવા માટે 10 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે, આમાં પત્રકારો, નિવૃત્ત જજ, રિટાયર્ડ આર્મી જનરલ અને અર્થશાસ્ત્રી સહિત પ્રખ્યાત લોકોનો સમાવેશ કર્યો છે. આમાં હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની નવી સરકારનું નેતૃત્વ ડો. સલીમુલ્લાહ ખાન અને ડો. આસિફ નઝરૂલ કરશે. નિવૃત્ત જસ્ટિસ મોહમ્મદ અબ્દુલ વહાબ મિયા, રિટાયર્ડ આર્મી જનરલ ઈકબાલ કરીમ, રિટાયર્ડ મેજર જનરલ સૈયદ ઈફ્તિખાર ઉદ્દીન, ડો. દેબપ્રિયા ભટ્ટાચાર્ય, મતિઉર રહેમાન ચૌધરી, બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈન, ડો. હુસૈન ઝિલ્લુર રહેમાન અને જસ્ટિસ એમ એ મતિન નાઈ નવી સરકાર ચલાવશે. હવે બાંગ્લાદેશની કમાન સરકાર ચલાવવાની જવાબદારી તેમના ખભા પર રહેશે.
ડો. દેવપ્રિયા ભટ્ટાચાર્ય અર્થશાસ્ત્રી છે અને હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ શેખ હસીનાની સરકારમાં આર્થિક નીતિઓના સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેમના પિતા વકીલ હતા અને માતા બાંગ્લાદેશના સાંસદ હતા. તેઓ યુએનમાં બાંગ્લાદેશના સ્થાયી પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. ડો. સલીમુલ્લા ખાન બાંગ્લાદેશી લેખક અને શિક્ષણશાસ્ત્રી છે. ઢાકા યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનાર બંગાળી મુસ્લિમ પરિવારના છે. ડો. આસિફ નઝરુલ બાંગ્લાદેશી લેખક અને પત્રકાર છે. તેઓ રાજકારણ પર લખતા રહ્યા છે. નવી સરકારમાં પાંચ નિવૃત્ત સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં તંગ પરિસ્થિતિ અને હિંસક પ્રદર્શનોને જોતા સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાએ કહ્યું કે દેશમાં અત્યારે કોઈ ઈમરજન્સી લાગુ કરવામાં આવશે નહીં. ચૂંટણીની ચર્ચા કરવી ખૂબ જ વહેલું છે. હાલમાં સેના અસ્થાયી ધોરણે સરકાર ચલાવશે.પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ફરી નિર્ણય લેવામાં આવશે.