ICCએ USA ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. આ નિર્ણય ગઇકાલે યોજાયેલી ICCની વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો. આ પગલું યુએસએ ક્રિકેટમાં વહીવટી સુધારાઓની તાત્કાલિક જરૂૂરિયાત દર્શાવે છે. જોકે, આ નિર્ણયથી યુએસએની રાષ્ટ્રીય ટીમ પર કોઈ અસર થશે નહીં અને તે 2026 માં ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ICC એ યુએસએ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકેને વારંવાર ચેતવણી આપી હતી કે તેઓ પારદર્શક શાસન અને ન્યાયી પ્રક્રિયાઓનું પાલન કરે.
આ ચેતવણીઓ પાછળનું મુખ્ય કારણ બોર્ડની ચૂંટણી પ્રક્રિયામાં જોવા મળતી અનિયમિતતાઓ હતી. ચૂંટણી પહેલા, ઉમેદવારોની પસંદગીમાં ગેરરીતિ અને ચોક્કસ વ્યક્તિઓને ફાયદો થાય તે રીતે પ્રક્રિયામાં ફેરફાર કરવાના આરોપો પણ સામે આવ્યા હતા. જો કે યુએસએ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકે જણાવ્યું હતું કે ICC દ્વારા હજુ સુધી તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. બીજી બાજુ, આ સસ્પેન્શન છતાં, 2028 માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ થવા પર કોઈ અસર નહીં થાય. યુએસએ યજમાન હોવાને કારણે, તે 2028 ઓલિમ્પિકમાં ભાગ લેનારી 6 ટીમોમાંથી એક હોઈ શકે છે.