મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા
બેંગકોકમાં ઈમારત ધસી પડતા 43 દટાયા, એકનું મોત, અનેક મંદિરો-ઈમારતો તૂટી પડી, થાઈલેન્ડમાં ઈમર્જન્સી જાહેર, વિમાની સેવા બંધ
મ્યાનમારની રાજધાનીમાં 1000 બેડની હોસ્પિટલ તૂટી પડતાં 20નાં મોત, કેન્દ્રબિંદુ મંડલેમાં મસ્જિદ ધસી પડતાં 10 નમાજીના મોતનાં અહેવાલ
શુક્રવારની બપોરે ભારતના પડોશી રાજ્યો મ્યાનમાર, બાંગ્લાદેશ ઉપરાંત થાઈલેન્ડ અને ચીનમાં 7.7-7.2નો ધરતીકંપ આવતા થઈલેન્ડ અને મ્યાનમારમાં માલ મિલ્કતને ભારે નુક્શાન થવા પામેલ છે. બેંકોકમાં બહુમાળી બિલ્ડીંગ ધસી પડતા અનેક લોકો દટાયા જ્યારે એકનું મોત નિપજ્યાના અહેવાલો મળે છે જો કે, અમેરિકાની જીઓલોજિકલ સોસાયટીએ હજારો લોકોના મોતની શંકા દર્શાવી છે.
આ ધરતીકંપના કારણે ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો મેઘાલય, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા હતાં જો કે, ભારતમાં જાનમાલની નુક્શાનીના કોઈ અહેવાલ મળી રહ્યા નથી. મળતા અહેવાલો મુજબ મ્યાનમાર-થાઈલેન્ડ સહિતના દેશોમાં સ્થાનિક 11:52 કલાકે 7.7ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. ત્યાર બાદ 11 મિનિટ પછી 12:02 કલાકે બીજો 7.2ની તિવ્રતાનો આંચકો આવતા મ્યાનમાર અને થાઈલેન્ડમાં બિલ્ડીંગો ખળભળી ઉઠ્યા હતાં. આ ભુકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડલે શહેર નજીક જમીનની 10 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયું જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિઓ સાયન્સીસે જાહેર કર્યુ છે.
આ ભૂકંપથી મ્યાનમાર અને થાઈલેન્ડમાં વ્યાપક ખાનાખરાબીના અહેવાલો છે. બેંગકોકમાં એક નિર્માણાધિન બહુમાળી બિલ્ડીંગ ધસી પડતા 43 લોકો દટાયાના અને એકનું મોત નિપજ્યાના અહેવાલ છે. મળતા અહેવાલો મુજબ મ્યાનમારની રાજધાની નેપીદૌમાં એક હજાર બેડની વિશાળ હોસ્પિટલ સંપૂર્ણ ધરાશાયી થઈ ગઈ છે. તેમાં 20 લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલો મળે છે. જ્યારે ભૂકંપના કેન્દ્ર નજીકના શહેર મંડલેમાં બપોરે જુમાની નમાજ સમયે મસ્જિદ તુટી પડતાં 10 લોકોના મોત નિપજ્યા હતાં.
અમેરિકાની જીઓલોજિકલ સોસાયટીએ આ ભૂકંપના બે આંચકાના કારણે અનેક લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરી છે. ભૂકંપના બે આંચકાના કારણે બેંગકોકમાં ધરાશાયી થયેલા બિલ્ડિંગોના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે આ સિવાય મંદિરો સહિતની ઈમારતો તુટી પડ્યાના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, બિલ્ડિંગના ટેરેસમાં રહેલી સ્વીમીંગપુલનું પાણી પણ બહાર ઉછળ્યું હતું.
આ ભુકંપના કારણે થાઈલેન્ડમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને તમામ એરપોર્ટ બંધ કરી આખા દેશને ફ્લાય ઝોન જાહેર કરી દેવાયેલ છે. દેશભરમાં ઈમરજન્સી સાયરનોના બિહાણમાં અવાજથી લોકો ભયભીત થઈ ગયા હતાં.વિનાશક ભૂકંપથી મ્યાનમાર પણ ખળભળી ઉઠ્યુ છે. અનેક ઈમારતો તુટી પડી છે. માંડલેયમાં ઈરાવડી નદી પરનો બ્રિજ પણ ધસી પડ્યો હતો.આ ભયાનક ધરતીકંપ અંગે માલ મિલકતની નુક્શાની અને જાનહાનીના અહેવાલો ધીરેધીરે બહાર આવી રહ્યા છે.
આસામ-મણિપુર-મેઘાલય-દિલ્હી-નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં અસર
મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરૂૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો. મ્યાનમારમાં પહેલીવાર 11:52 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં 12:02 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાયન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની 10 કિ.મી નીચે હતું.