અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા
અમેરિકામાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ આકસ્માતમાં અનેક લોકોના મોત થયાં છે. ગઈ કાલે (22 મે, 2025) કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક એક વિમાન ક્રેશ થયું, જેના કારણે લગભગ 15 ઘરો અને અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માત યુએસ આર્મીના સૌથી મોટા રહેણાંક વિસ્તારમાં થયો હતો.
એક પ્રેસના રિપોર્ટ અનુસાર, એક સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારના ઘરો પર આકાશમાંથી પડ્યું." અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 10 ઘરોમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. વિમાનમાં સવાર લગભગ બધા લોકો મૃત્યુ પામ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં 8 થી 10 લોકો સવાર હોઈ શકે છે.
પોલીસે ઘરો ખાલી કરાવ્યા
પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘરો ખાલી કરાવ્યા. 100 થી વધુ સ્થાનિક લોકોને નજીકની શાળામાં લઈ જવામાં આવ્યા. ક્રેશ થયેલા વિમાનની ઓળખ સેસ્ના 550 તરીકે થઈ છે, જે મોન્ટગોમરી-ગિબ્સ એક્ઝિક્યુટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમ આ કામ કરશે. અકસ્માત પછી જેટ ફ્યુઅલ આખા વિસ્તારમાં ફેલાઈ ગયું. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિસ્તારમાં ઘણા વિમાન અકસ્માતો થયા છે
આ વિસ્તારમાં પહેલા પણ ઘણા વિમાન અકસ્માતો થયા છે. ઓક્ટોબર 2021 માં, સાન ડિએગોમાં એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ અને યુપીએસ ડિલિવરી ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું અને ઘરો બળી ગયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું. ડિસેમ્બર 2008 માં, સાન ડિએગોના યુનિવર્સિટી સિટી વિસ્તારમાં મરીન કોર્પ્સનું એક ફાઇટર પ્લેન એક ઘર સાથે અથડાયું હતું, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.