મક્કા-મદિનામાં ભારે વરસાદથી પુર: રસ્તાઓ જળબંબાકાર, વાહનો ફસાયા
સાઉદી અરબના મક્કા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું છે.
આ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને વાહનો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. રાત્રે કેટલાક વિસ્તારોમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન સમુદ્રમાં 2 થી 2.5 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા.
સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો વાયરલ થયા છે, જેમાં રસ્તાઓ પર કાદવ અને પાણીના તેજ પ્રવાહ વહી રહ્યા હોવાનું દેખાય છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર બની ગયા, જેના પરિણામે અનેક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કેટલાક લોકો પોતાના વાહનો છોડીને સુરક્ષિત જગ્યાઓ તરફ ભાગતા જોવા મળ્યા હતા. કેટલાક મુખ્ય હાઇવે પૂરના કારણે નષ્ટ થઈ ગયા હતા. લોકોને ઘૂંટણ સુધી પાણીમાં ચાલીને જવાની ફરજ પડી હતી.
15 નવેમ્બરના રોજ મદીનામાં પયગંબર મોહમ્મદની મસ્જિદની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં ભીંજાઈ ગયા હતા. લાખો મુસ્લિમોએ ભારે વરસાદમાં પણ શાંત વરસાદી વાતાવરણમાં સાપ્તાહિક શુક્રવારની નમાઝ અદા કરી હતી.