ભારે કરી, ઈરાનના રાષ્ટ્રપતિની કારમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દીધું
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયનની સાથે તાબ્રિઝ મુલાકાત દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. જ્યારે તેમના કાફલામાં રહેલી ત્રણ સરકારી ગાડી એક સાથે ખરાબ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિના ખાસ નિરીક્ષક મુસ્તફા મોલવીએ માહિતી આપી હતી કે કાઝવી પ્રાંતના તાકેસ્તાન શહેર નજીકના પેટ્રોલ પંપ પર ઇંધણ ભર્યા પછી તરત જ બધા વાહનો કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ ખાનગી ટેક્સી દ્વારા આ મુસાફરી પૂર્ણ કરવી પડી હતી.
તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે ઇંધણમાં પાણી ભેળવવામાં આવ્યું હતું. આ ભેળસેળને કારણે ખામી સર્જાઈ અને રાષ્ટ્રપતિએ સ્થાનિક અધિકારીઓને જાણ કર્યા વિના ખાનગી ટેક્સીમાં મુસાફરી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાએ ઈરાનમાં ઇંધણની ગુણવત્તા અને પેટ્રોલ પંપ પર દેખરેખ પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ઈરાનમાં ઈંધણમાં ભેળસેળ નવી નથી. પેટ્રોલમાં ભેળસેળ કે પંપ મીટર સાથે ચેડાંની ફરિયાદો વર્ષોથી સામે આવી રહી છે. ભૂતપૂર્વ તેલ પ્રધાન બિજાન ઝાંગેનેહે પણ 2021માં કહ્યું હતું કે દર વર્ષે 400થી વધુ પેટ્રોલ પંપ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.