પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ, 3 ચીની નાગરિકોના મોત, 17થી ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં બે ચીની નાગરિકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. ચીની દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપનીના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર કરાચીમાં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક રાત્રે લગભગ 11 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.
ચીની દૂતાવાસે પાકિસ્તાનને આ હુમલાની સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવા જણાવ્યું છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે પાકિસ્તાને પોતાના દેશમાં હાજર ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ, સાથે જ ચીની દૂતાવાસે કહ્યું કે, અમે પાકિસ્તાન સાથે મળીને આ હુમલાના પરિણામોને સંભાળવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું .
કરાચી એરપોર્ટ પર ગઈ કાલે રાત્રે 11 વાગ્યે વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાને આ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ઉપરાંત, પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ વિસ્ફોટ એરપોર્ટની બહાર એક ટેન્કરમાં કરવામાં આવ્યો હતો. તેમજ પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને માહિતી આપી હતી કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સરકારે આતંકી સંગઠન BLA પર પ્રતિબંધ મૂક્યો છે. BLAએ એક જૂથ છે જે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં હાજર છે અને બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરી રહ્યું છે. આ આતંકવાદી સંગઠને ઓગસ્ટ મહિનામાં પણ પ્રાંતમાં હુમલા કર્યા હતા, જેમાં 70થી વધુ લોકો માર્યા ગયા હતા. BLA ખાસ કરીને ચીનને નિશાન બનાવે છે. BLAએ ચીન પર પાકિસ્તાનને બલૂચિસ્તાન પ્રાંતના શોષણમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા પણ પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં 16 માર્ચથી 26 માર્ચ સુધી પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ હુમલા થયા હતા. જેમાં 18 લોકોના મોત થયા હતા. આ પાંચેય હુમલાઓમાં આત્મઘાતી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 12 સૈનિકો, પાંચ ચીની નાગરિકો અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા.