પાકિસ્તાનમાં હાફિઝ સઇદના કરીબીની ગોળી મારીને હત્યા
બે જૂથ વચ્ચે ગોળીબારમાં મર્યાનો પાક. પોલીસનો દાવો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે 28 વર્ષીય આતંકવાદી શેખ મુજાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુજાહિદને હાફિઝ સઈદના નજીકના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના લાહોરથી 60 કિલોમીટર દૂર આવેલા કસૂર જિલ્લાના કોટ રાધા કિશન વિસ્તારમાં બની હતી. અહેવાલો મુજબ હુમલાખોરોએ ધોળા દિવસે જ આતંકવાદીને ગોળીઓથી વીંધી નાખ્યો હતો.
ઘટનાની જાણ થતાં પંજાબ પોલીસે દાવો કર્યો છે કે શેખ મુજાહિદનો લશ્કર સાથે કોઈ સંબંધ નહોતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ઈસા ખાનના જણાવ્યા મુજબ શેખ મુજ મુજાહિદને બે જૂથો વચ્ચે થયેલા ગોળીબાર દરમિયાન ગોળી વાગી હતી.
ખાનના કહેવા મુજબ રેહાન અને ફૈઝાન નામના બે પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. જ્યારે ગોળીબાર શરૂૂ થયો ત્યારે મુજાહિદ અન્ય લોકો સાથે સ્થળ પર હાજર હતો. મુજાહિદને કેટલીક ગોળીઓ વાગી હતી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે અને 20થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.