H1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણય
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં એચ-વન બી વિઝા આપવાની શરૂૂઆત કરી હતી. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અથવા જે વિષયોના નિષ્ણાત ના મળતા હોય એવા વિષયોમાં સ્વસ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણની ડિગ્રી ધરાવતા લોકોને અમેરિકા આ વિઝા આપે છે. અત્યાર સુધી આ વિઝા માટેની ફી 2000 ડોલરથી 5000 ડોલરની વચ્ચે હતી.
અમેરિકામાં નોકરી આપનાર કંપનીની સાઈઝના આધારે ફી નક્કી થતી પણ મહત્તમ ફી 5000 ડોલર હતી તેથી 4.5 લાખ રૂૂપિયાથી વધારેની ફી ભરવાની નહોતી થતી. ટ્રમ્પને તુક્કો સૂઝ્યો એટલે ફી વધારીને સીધી 1 લાખ ડોલર (આશરે 88 લાખ રૂૂપિયા) કરી નાખી છે. ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે આ નવા ફતવા પર સહી કરી ત્યારે પછી એવી વાત બહાર આવી કે, આ ફી દર વરસે ભરવાની થશે. એચ-વન બી વિઝા પર અમેરિકા જનારને સામાન્ય રીતે એકાદ લાખ ડોલરનાં પેકેજ શરૂૂઆતમાં મળતાં હોય છે. હવે કર્મચારીને ચૂકવવા જેટલી ફી દર વરસે ચૂકવવી પડે તો ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઈ જાય ને કંપનીઓ લાંબી થઈ જાય તેથી હાહાકાર મચી ગયેલો.
હવે સ્પષ્ટતા કરાઈ છે કે, આ ફી એક જ વાર ચૂકવવાની છે. એચ-વન બી વિઝા ત્રણ વર્ષ માટે અપાય છે અને ફરી ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. ફરી વિઝા લંબાવાય ત્યારે 1 લાખ ડોલરની ફી ફરી ભરવી પડશે કે નહીં તેની ચોખવટ નથી કરાઈ પણ આપણે 1 લાખ ડોલરની ફી 6 વર્ષ માટે છે એમ માનીએ તો પણ વરસે 16 હજાર ડોલર એટલે કે લગભગ 14 લાખ રૂૂપિયા થયા. આ રકમ પણ ઓછી નથી જ તેથી એચ-વન બી વિઝા લેનારાં પર તોતિંગ બોજ તો આવવાનો જ છે.
ટ્રમ્પના ફતવાના કારણે સૌથી મોટો ફટકો ભારતને પડશે એ સ્પષ્ટ છે કેમ કે સૌથી વધારે એચ વન બી વિઝા ભારતીયોને મળે છે. ગયા વર્ષે અમેરિકાએ મંજૂર કરેલા એચ-વન બી વિઝામાંથી 71 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. ચીન 11.7 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે હતું. ભારત અને ચીન વચ્ચે 60 ટકાનો ફરક છે તેથી એચ-વન બી વિઝા ભારતની મોનોપોલી છે એ સ્પષ્ટ છે. તેના કારણે આ વિઝાને લગતા ટ્રમ્પના કોઈ પણ ફતવાની સારી કે નરસી, સૌથી વધારે અસર ભારતને જ થશે અને અત્યારે જે સ્થિતિ છે એ જોતાં તો ભારતીયોને નુકસાન થશે એવું વધારે લાગે છે.
ભારતમાં કહેવાતા નિષ્ણાતોનો એક વર્ગ એવો છે કે, જે ભારતને નુકસાન થાય એવું કોઈ પણ પગલું ભરાય તો પણ એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, આ પગલાથી ભારતને નુકસાન નહીં પણ ફાયદો થશે. દેશપ્રેમ સારી વાત છે અને આશાવાદી હોવું પણ સારી જ વાત છે પણ આ આશાવાદ વાંઝિયો છે અને તેની પાછળ દેશપ્રેમ કરતાં વધારે સત્તામાં બેઠેલા લોકોની ચાપલૂસી કરવાની ભાવના વધારે છે. ટ્રમ્પના એચ-વન બી વિઝાની ફી વધારવાના નિર્ણયના કારણે ભારતની આઈટી કંપનીઓને તોતિંગ સૌથી મોટો ફટકો પડશે તેમાં મીનમેખ નથી. ભારતીય આઈટી અને ટેક કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને H-1B કોન્ટ્રેક્ટ પર યુએસ મોકલે છે.