ભારત-પોલેન્ડ સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે સચવાયેલી છે: CM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની પોલેન્ડ દેશની મુલાકાતે પહોચ્યા છે. અહીં તેમણે વોર્સોમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારતા ટ્વિટ કરીને જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું કહ્યુ. તેમણે વધુમાં કહ્યું કે, જામસાહેબના નામથી વોર્સોમાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.ઋષિકેશ પટેલે જામસાહેબના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું . આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન , શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે.