ગુજરાતી હરમીત દેસાઇનો પરાજય, પેરિસ ઓલિમ્પિકની સફર સમાપ્ત
પેરિસ ઓલિમ્પિક્સ 2024નો બીજો દિવસ ભારત માટે ખુશી અને નિરાશા બંને લઈને આવ્યો હતો. એક તરફ મનુ ભાકરે ઈતિહાસ રચીને ભારતને પહેલો મેડલ અપાવ્યો તો બીજી તરફ ટેબલ ટેનિસમાં નિરાશા મળી હતી. ભારતના ધ્વજવાહક શરથ કમલ મેન્સ સિંગલ્સની પ્રથમ મેચમાં હારી ગયો હતો, જ્યારે બીજી તરફ જીત સાથે શરૂૂઆત કરનાર ગુજરાતના ટેબલ ટેનિસના ખેલાડી હરમીત દેસાઈ પણ મેન્સ સિંગલ્સમાં તેની બીજી મેચ ફ્રાન્સના 17 વર્ષીય લેબ્રુન ફેલિક્સ સામે હારીને બહાર થઈ ગયો હતો.
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈની પેરિસ ઓલિમ્પિકમાં સિંગલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. મેન્સ સિંગલ્સની તેની બીજી મેચમાં તેને 0-4થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન દેશના 17 વર્ષીય ખેલાડીએ તેને મેચમાં માત્ર 28 મિનિટમાં હરાવ્યો હતો. પોતાની પ્રથમ મેચમાં 31 વર્ષીય હરમીતે જોર્ડનના ઝૈદ અબો યમનને 30 મિનિટમાં 4-0થી હરાવીને પેરિસ ઓલિમ્પિકની શરૂૂઆત કરી હતી.
રાઉન્ડ ઓફ 64માં હરમીતને શાનદાર જીત મેળવી હતી પરંતુ બીજા રાઉન્ડમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું. માત્ર 28 મિનિટમાં જ ફ્રાન્સના 17 વર્ષના લેબ્રુન ફેલિક્સે ભારતીય ખેલાડીને હરાવ્યો હતો. ફેલિક્સે હરમીત દેસાઇને 11-8, 11-8, 11-6 અને 11-8થી હરાવ્યો હતો.