અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરાશે
વ્હાઈટ હાઉસમાં ફાયરિંગ બાદ ટ્રમ્પ સરકાર એકશનમાં
અમેરિકાના સત્તાનું કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. નેશનલ ગાર્ડ પર ગોળીબાર કરનાર આરોપી અફઘાન મૂળનો હોવાથી, ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકો (સ્થાયી નિવાસીઓ)ની ફરીથી તપાસ કરશે.
આ એવા દેશો છે જેમને અમેરિકી સરકારે પહેલેથી જ ‘ક્ધટ્રીઝ ઓફ ક્ધસર્ન’ (ચિંતાજનક દેશો)ની યાદીમાં મૂકેલા છે.
આ 19 દેશોની યાદીમાં ભારતના બે પાડોશી દેશો - અફઘાનિસ્તાન અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે, જ્યારે મ્યાનમારમાં સૈન્ય (જુન્ટા) શાસન છે.
અમેરિકાના ઇમિગ્રેશન અને નાગરિકતા વિભાગના વડા જોસેફ એડલોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર, ચિંતાજનક ગણાતા તમામ દેશોના નાગરિકોના ગ્રીન કાર્ડની ફરીથી તપાસ કરવામાં આવશે. આ નિર્ણય વ્હાઇટ હાઉસની સુરક્ષામાં થયેલી ચૂક બાદ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ વધુ કડક બનવાના સંકેત આપી રહ્યો છે.
અમેરિકામાં આ દેશોના નાગરિકોની થશે તપાસ
અફઘાનિસ્તાન, બર્મા (મ્યાનમાર), ચાડ, કોંગો ગણરાજ્ય, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન, યમન, વેનેઝુએલા